પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વણિક મંત્રીઓ
95
 


“ના ના, મારો વીરુ...” એમ કહેતા એકાએક થોથરાઈને દેવરાજ પટ્ટકિલ બોલ્યા, “મારો ધણી રાણો વીરધવલ એવો નથી, હો પૂજ !” એના બોલમાં કોઈ ન સમજે તેવો ગદ્‌ગદિત ભાવ હતો.

“એ નહીં ને એનો દીકરો વીફરે; એના કાનમાં કોઈ ખટપટનાં ઝેર રેડાય. વસ્તી જ સામી થઈ બેસે. કંઈ કહેવાય નહીં. એટલે બુદ્ધિ, ચિત્તવૃત્તિ અને ત્રીજી તલવાર એ ત્રણે જો તમારી સાબૂત રહે તેવી હોય તો જ હા ભણજો, વત્સ ! પણ કુટુંબના કે ન્યાતના, ધર્મના કે પંથના જયજયકાર પૂરતું જ પ્રલોભન હોય તો ન સ્વીકારજો. આજ સુધી એ જ ભૂલ થતી આવી છે. જિનમંદિરો તો અસંખ્ય છે, નવાં નહીં બંધાવો તો ચાલશે. શિવપ્રાસાદોનો પાર નથી, એનેય વિશ્રામ દઈ શકશો. પણ મસીદો ક્યાં ક્યાં નથી ને કઈ કઈ પડી ગઈ છે તેના પર લક્ષ વધુ દઈને વણકર, ખેડુ અને કારીગર મુસ્લિમ વસ્તીનાં દિલ જીતવાં જોશે. છેવટ એક જ વાત, તમારું, બે ભાઈઓનું ને દેવ સોમેશ્વરનું સ્વપ્ન સાબૂત હોવું જોઈએ. એ સ્વપ્ન આજ સુધીના કોઈ ગુર્જરરાજને કે ગુર્જર મંત્રીને આવ્યું નથી. એ સ્વપ્નની લીલાભૂમિ ફક્ત ગુર્જર દેશ નહીં પણ...”

અહીં એ જૈન મુનિના શબ્દો પર જાળિયામાં થઈને કોઈનો પડછાયો પડ્યો અને વાક્ય ખડિત બન્યું. સૂરિજીને લાગ્યું કે કોઈક બહાર સાંભળતું હતું.

“ખેર એ વાત તો આગળ ઉપર.” એમ કહીને સૂરિએ સોમેશ્વરદેવને કહ્યું, “દેવ ! તમારું સ્થાન હંમેશાં મધ્યસ્થ તરીકેનું રહેશે.”

“એટલે કે સૂડી વચ્ચે સોપારીનું.” સોમેશ્વરદેવ હસ્યા.

“હા, ને સોપારી પોતાનું સ્થાન સાચવશે તો તો ચૂરો ચૂરો થઈ જઈને પણ રાજાપ્રજાનો મુખવાસ શોભાવશે, સૂડી ચલાવનાર હાથને તો નહીં વઢાવે ! ખરી વાત છે દેવ, કે તમારી હાલત કપરી બનશે. શંભુ તમને શક્તિ સીંચો"

"હું તો ફસાયો.” વસ્તુપાલે કહ્યું, “હું આહીં આવ્યો તે તો સોમેશ્વરદેવની જોડે કવિતારસ લૂંટવા; ને ખેંચાઉં છું રાજપ્રપંચોમાં.”

“તમારી કવિતારસ પરીક્ષામાં મુકાશે. કવિતા તો અંદરની વસ્તુ છેને યુદ્ધમાં ઘૂમતા હશો ત્યારે એનું તો પાન કરી શકશો. કવિ એટલે એક કવિતા કરવા સિવાય બીજી બધી વાતે નાલાયક, એવી માન્યતાને ઉચ્છેદી નાખજો.”

"કોને ખબર છે કે કેટલું જીવીશ?”

“એ જાણવાની ઉતાવળ નથી. યોગ્ય અવસરે એ પણ જ્ઞાન મળી જશે.”

"આપ કહેશો?”

"હું શું કહેવાનો? કાળ જ કહેશે. તે વખતે પછી બીજું સમસ્ત સ્વપ્ન સંકેલી