પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
18
વંઠકમાંથી વીર


ત્રીજા દિવસે ધોળકાની પ્રજામાં ગણગણાટ થયો.

"વાણિયાઓએ વસ્તીને ઉશ્કેરી તોફાન કરાવ્યું છે એવી જાણ થતાં લવણપ્રસાદ પાટણથી મારતે ઘોડે ધોળકે આવી પહોંચ્યા હતા. આજે એ બાવન વર્ષના થયા હતા. એની દાઢીએ કાબરચીતરો રંગ પહેર્યો હતો. આ રમખાણ વણિકોએ રાણા વીરધવલની ગેરહાજરીમાં સુવાવડી પુત્રવધૂ પર મચાવ્યું જાણી એનું લોહી તપી ગયું હતું. આવ્યા પછી એને શાંત કરવાનો પહેલો પ્રયત્ન સોમેશ્વરદેવને કરવાનો હતો.

“એને પહેલાં તો સખત દંડ દેવો જોઈએ.” એ લવણપ્રસાદની જીદ હતી.

“મહામંડળેશ્વર" સોમેશ્વરદેવે સલાહ દીધી, “દંડ દેવો તો એવો કડક દેવો, કે જીવનભર ખો ભૂલી જાય.”

રાજગુરુની એ ટાપશીએ લવણપ્રાદને વધુ કરડો કરી મૂક્યો. કઈ સજા વધુમાં વધુ કડક, એના વિચાર એ કરવા બેઠો. બાપુને સમજાવી લેવાનું કામ વીરધવલે જ સોમેશ્વરદેવને ભળાવ્યું હતું.

“રાણા !” સોમેશ્વરદેવે કહ્યું, “એને જો મારશો-દંડશો તો વસ્તી કાં વીફરશે, નહીં તો દબાઈ જઈને ધીરે ધીરે ધોળકું છોડશે.”

“એને દેશવટે જ કાં ન કાઢીએ” લવણપ્રસાદે બુદ્ધિ ચલાવી.

“તો તો આપણા બહારવટિયાને સંઘરવા ખંભાતનો સદીક, લાટનો શંખ, ગોધરાના ઘુઘેલ અને બીજા કંઈક શત્રુઓ ચંપીને જ બેઠા છે, બાપુ” સોમેશ્વરે ભોળા મહામંડળેશ્વરના મગજમાં એ મુદ્દો ઠસાવી લીધો.

"વાત ખરી છે દેવની, હો!" લવણપ્રસાદે ખસિયાણા પડીને ડોકું ધુણાવ્યું. અમારી ક્ષત્રિયોની તે કાંઈ ખોપરી છે ને ખોપરી ! એકેય વિચારનું સરખું સાલવણું ન થાય.”

“અમારું બ્રાહ્મણોનું પણ એવું જ છે, મહામંડલેશ્વર”

"એમ કાંઈ ચાલે? સાચી સલાહ દેવી પડશે ! દેવ, આ વખતે એમ કહીને