પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વંઠકમાંથી વીર
105
 

જો શબ્દોની પટાબાજી રમવા તેડાવ્યા હોય તો અમે લાચાર છીએ કે અમને અમારી માતાએ એ કળા શીખવી નથી. બીજું કાંઈ કામ હોય તો. ફરમાવો, અમે સેવકો છીએ.”

"રાણાજીનું એમ કહેવું છે, શેઠ," સોમેશ્વરદેવે વાત ઉપાડી લીધી, “કે જો રાજવહીવટના દોષો તમને ખરેખર આત્મભાવે ખટકતા હોય, તો તમે પોતે જ વહીવટ કરીને બતાવી આપો.”

"ગુરુદેવ!" વસ્તુપાલે અજાણ્યા થઈને પૂછ્યું, “એવું ફક્ત આપ કહો છો. કે મહામંડલેશ્વર પોતે કહે છે?”

“હું કહું છું હું, જવાબ આપોને!” લવણપ્રસાદની આંખો ખોટેખોટી ઠરડાયેલી હતી.

"તો પહેલાં તો બાપુ અમારી સામે જોઈને વાત કરે.” વસ્તુપાલનો સ્વર પણ સહેજ કડક બન્યો.

લવણપ્રસાદે નજર સીધી કરી એટલે વસ્તુપાલ બોલ્યોઃ “જુઓ બાપુ, આજ યુગ પલટી ગયો છે. મહારાજ કુમારપાળનો દેહ સ્મશાને વળ્યા પછી રાજાપ્રજા સૌની મતિ પર તાળાં દેવાઈ ગયાં છે. આજે એ રાજાય નથી, તેમ એ પ્રજાય નથી.”

લવણપ્રસાદને ખાતરી થતી ગઈ કે આ વાણિયા પ્રથમ કલ્પેલા તેવા સાવ છોકરા તો નથી ! એણે કહ્યું –

"હા, પછી?"

"પછી તો બાપુ, વાત એમ છે કે જો રાજાએ નિરાંતે રાણીવાસમાં પડ્યા રહીને ભોગવૈભવ માણવા હોય, મંત્રીઓનું કામ જો રાજવિલાસને માટે ધનભંડારો જ ભેગા કરાવવા માટે હોય, તો તે અમારી શક્તિ કરતાં ઘણું વધુ મોટું કામ છે.”

“તો તમારી શક્તિ શું કામ કરી શકે તેમ છે?”

“દુષ્ટોને દંડ દેવો હોય, અન્યાય પામેલાઓનો ન્યાય તોળાવવો હોય, ગુર્જર દેશનું મૂર્છિત આત્મભાન પાછું જગાડવું હોય, તો અમારી સેવા સોંપવા હાજર છીએ.”

લવણપ્રસાદ સહેજ લેવાયા. એટલે સોમેશ્વરદેવે ત્રાગ સાંધ્યોઃ “ને જે બોલો છો. તે ન પાળી શકો તો દંડ શો દેવાનો રહેશે એ જાણો છો, શેઠ”

"ગુજરાતની આજની અવદશા જોતાં એ જાણવું અઘરું નથી. બહુ બહુ તો અમને લૂંટી લઈ શકાય.”

“તો લો આ સ્વર્ણમુદ્રા.” રાણા લવણપ્રસાદે ઊઠીને મંત્રીપદની મહોર લાંબી કરી.