પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
116
ગુજરાતનો જય
 


આખો દિવસ વસ્તુપાલને સત્કારવાની નગરપ્રવૃત્તિ ચાલી. વસ્તુપાલ જયાદિત્યના મંદિરે ગયા અને એણે એ પડી ગયેલા મહાપ્રાચીન સૂર્યમંદિરને સમરાવવાની આજ્ઞા આપી સૂર્યપૂજકોને રાજી કર્યા. કુમારપાલ દેવને સિદ્ધરાજના જાસૂસોથી હેમચંદ્રસૂરિએ જ્યાં સંતાડ્યા હતા તે સાગલ વસહિકાના પુસ્તક ભંડારની એણે મુલાકાત લીધી. એ મુસ્લિમોની મસ્જિદમાં પણ ગયો. મસ્જિદોને જ્યાં જ્યાં જીર્ણોદ્ધારની જરૂર હતી ત્યાં ત્યાં એણે સમારકામની આજ્ઞા આપી દીધી. અને બપોર પછી એ નિરાંતે નારંગસર તળાવમાં ધૂબકે ધૂબકે નાહ્યો. ખંભાતની કોમેકોમના પ્રજાજનોને મંત્રી પોતાનો લાગ્યો.

બીજા દિવસની સવારે સદીક શેઠ પોતાની જાણે જ મળવા આવ્યો ત્યારે વસ્તુપાલ બે ઘડી મલકાયો કે સદીકનો મદ મોડાયો છે. સદીકે તો આવીને ઝૂકી ઝૂકી સલામો કરવા માંડી.

“આવો શેઠ” વસ્તુપાલે ગાદીતકિયા પર બેઠે બેઠે, ઊભા પણ થયા વગર, સદીકને ફક્ત સામા પાથરેલા ગાલીચા પર બેઠક બતાવી.

“નહીં રે જનાબ, નહીં," સદીક છેક જાજમ પર બેસી ગયો, “હું તો આપનો ગુલામ કહેવાઉં, અહીં નીચે જ શોભું.”

સદીકને આટલો બધો ગળી મીણ બની ગયો જોઈ વસ્તુપાલના મનનો છૂપો ગર્વ વધુ ને વધુ બહેકવા લાગ્યો. માંડવીના ઇજારાની વાત નીકળી એટલે સદીકે માથું ઝુકાવીને કહ્યું: “અરે જનાબ, આપે તો મારો છુટકારો કરાવી દીધો. મારે તો તકલીફનો શુમાર નહોતો રહ્યો. હું તો ગુલામી કરી કરીને ગળોગળ આવી રહ્યો છું. આ જુઓને, જનાબ અત્યારમાં જ એ પીડા આવીને હાજર થઈ ગઈ છે.”

"શું છે વળી ?"

“કાયમ જે હતી તેની તે જ. નામદાર ! હું તોબાહ પોકારી ગયો હતો. માંડવી મારા હાથમાંથી ગઈ એ તો મને બેહિસ્ત મળ્યા બરોબર થયું છે.”

સદીક આમ મોઘમ વાતો કરતો કરતો દાઢીમાં હાથ નાખી રહેલ છે તેટલામાં તો શહેરમાં ચાલેલો ખળભળાટ રાજગઢમાં પહોંચી ગયો ને મંત્રીને છૂપો સંદેશો મળ્યો કે “દરિયામાં કોઈકની નૌકાસેના પરોડિયાની આવીને ઊભી છે. પાંચેક બરિયા (વહાણો) છલોછલ ભર્યા છે.”

વસ્તુપાલની અને સદીકની આંખોની દ્રષ્ટિકટારો સૂચક રીતે સામસામી અફળાઈ. આરબ એક કુટિલ મરકલડું કરીને બાજુએ જોઈ ગયો. ને પછી બોલ્યો:

"મને ઘણુંય એમ લાગતું હતું જનાબ, કે આપ નાહક ઉતાવળ કરી રહ્યા છો. પણ હું આપને પિછાનું નહીં, આપનો મિજાજ-દિમાગ જાણું નહીં કેમ કરીને