પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
’ભાગજે, વાણિયા!”
121
 

ત્રાટકનાર થયો, ત્યારે ખંભાતનાં ગાત્રો ગળી ગયાં; વસ્તુપાલને બે દિવસ દીધેલા માનનો ખંભાતની પ્રજાએ પસ્તાવો કર્યો, ને સદીક શેઠરૂપી સાપના રાફડા સમી માંડવીની માગણી કરનારાઓ સર્વે થરથર ધ્રૂજ્યા.

દરવાજા ભિડાવી દઈને મંત્રી ફક્ત પચાસ માણસો સાથે સમુદ્રને તીરે પહોંચ્યો. થોડે છેટે શંખની સેના તૈયાર ઊભી હતી. કોઈ વાર ન લડેલી, પહેલી જ વાર લડવા જતી નાની સેનાના હોશ હચમચાવી નાખે તેવો એનો જમાવ હતો.

વસ્તુપાલ પોતાના સૈનિકોનાં નબળાં પગલાં ઓળખી ગયો. એણે વ્યૂહ બદલ્યો. બીજા સર્વને દૂર થંભાવી દઈ પોતે ફક્ત એકલા ભુવનપાલની સાથે આગળ વધ્યો. શંખે આઘેથી આ દ્રશ્ય દીઠું.

એ સમજ્યો કે મંત્રી સુલેહની માગણી લઈને ઊભો છે. એણે સદીકને સામો મોકલ્યો. સાદીકે મારતે ઘોડે મંત્રી પાસે આવીને કહ્યું: “જનાબ ! શંખરાજ પાસેથી સારો સંદેશો લાવ્યો છું.”

“કહો.”

"એ આપને ખંભાતનું મંત્રીપદ અત્યારે ને અત્યારે આપવા માગે છે – જો ખંભાત એનું બને તો.”

“નહીંતર?”

“નહીંતર પણ, જો આપ ચાલ્યા જવા માગતા હો તો, એ સલાહ આપે છે કે આપ તો વાણિયા છો. ક્ષત્રિયની આગળ નાસી જવામાં વણિકને નામોશી નથી.”

“તમારું શું ધ્યાન પડે છે?”

"ખાવંદ, હું તો ગુલામ છું આપનો. કહેતાં મારી જબાન કટાય. પણ આપ ભાગી છૂટો. એ લાગ જોઈને આવેલ છે."

“શો લાગ જોઈને?”

“પાટણ અને ધોળકા ઉપર મારવાડના રાજા ચડ્યા છે. આપ જે ફોજની વાટ જુઓ છો તે તો એ ચારની સામે કૂચ કરી ગઈ છે. આપે મોકલેલ ઊંટસવાર નકામો ગયો છે. આપને તો હજુ ખબર નહીં પડ્યા હોય?" સદીક જાણે કે મંત્રીની રહસ્યવિદ્યા પર ડામ ચોડી રહ્યો હતો.

આ વાત સાંભળતાં મંત્રીના હૃદયમાં ધ્રાસકો પડ્યો. ગઈ કાલે એણે મોકલેલા. સંદેશાનો ધોળકાથી જવાબ નહોતો. તેનું કારણ સમજાયું. સદીકે જોર કરી શંખને તેડાવ્યો તેનો સબબ સમજાયો. એનું જિગર ગળવા લાગ્યું અને એ અંદરની ધાસ્તીને ચહેરા પર આવતી રોકવા એણે પોતાના મોં પર જે હાસ્ય ખેંચ્યું તે હાસ્ય એની રગેરગના રુધિરનું બનેલું હતું, એના લમણામાં એક વાક્ય ઘોરતું હતું: “વાણિયાને