પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
128
ગુજરાતનો જય
 


"દાવ શીખવા છે?” શંખ હસ્યો, “આ જન્મે તો શીખીને શું કરીશ, વાણિયા?”

“આવતે અવતાર કામ લાગશે. વિદ્યા કદી અલેખે જાય નહીં, લાટના ધણી ! ને હવે તો સૂર્યાસ્તને ક્યાં ઝાઝી વાર છે? ખંભાતની પ્રજા આપને હજારો દીવાનાં વધામણાં દેશે. સમુદ્રને તીરે મને ચિરશય્યા દઈને પછી સુખેથી પ્રવેશો.”

“તારે જીતવાની ઉમેદ છે, હિંગતોળ?”

“ના રે ના. જીતું તોય તમે મને જીવતો ક્યાં મૂકવાના છો? મારે તો મનોરથ છે – મારા ભુવનપાલ ભેગા ચિતા પર ચડવાના.”

એમ કહેતો વસ્તુપાલ, એની પાતળી કાયાને છલંગે લહેરાવતો ભાલો લઈને પટમાં ઘૂમવા લાગ્યો. અને એની સામે શંખના હાંસીસ્વરો અફળાયા: “વાણિયું લડે છે ! અરે ભાઈ ભાઈ ! વાણિયું લડે છે ! વાણિયા, હજુય પડ દઉં છું ને કહું છું નાસવા માંડ - નહીં મારું તને, નાસી જા, શ્રાવક. તારું આ કામ નથી, મંકોડીપાલ ! ભુવનપાલનો વાદ ન કર.”

શબ્દોનો જવાબ વસ્તુપાલની જીભે ન દીધો. ભાલાએ દીધો. ભાલાની ઘુમાઘૂમ મંડાઈ ગઈ. શંખના હાથમાં ભાલો અગ્નિચક્ર સમો ફરવા લાગ્યો. વસ્તુપાલના આયુધે વિદ્યુત-ચમકારા રચી દીધા. સામસામા પડકારા ને હાકલા, ભલકારા ને ખમકારા, ભૂતલને ભયાનક રણખપ્પર કરી મૂકી દરિયે જાતા અફળાયા.

સૂર્ય નમે છે - સુર્ય સાગરે ડૂબવાને વાર નથી. નગરની હવેલીનો પહેલો દીવો ચેતાયો. તોયે યુદ્ધનો અંજામ આવતો નથી. પહેલો તારો ઉદય પામ્યો. વસ્તુપાલ કો ન પડે? મુલ્લાંએ બાંગ પુકારી, મંત્રી તોયે કેમ મરતો નથી? અરે, આ અંધારું અજવાળાને પી જવા – ગળી જવા લાગ્યું. ને યુદ્ધ શું અધૂરું રહેશે?

“મશાલો ચેતાવો ! મશાલો ચેતાવો !” શંખ એ આદેશ કરે છે તે જ પલે એણે શહેર બાજુથી આવતી દીઠી – સેંકડો મશાલો, ને એ મશાલ-તેજે ચમકતી હજારો ખડગધારાઓ. એને કાને પડ્યાં - કદી ન સાંભળેલા કિકિયાટા અને ઘોડલાંની તબડાટી પર તબડાટી, ડાબલાની બડબડાટી. બુમ્બારવ ઊઠ્યો: “જય ગુજરાત ! જય ગુજરાત ! જય રાજા વીરધવલ ! જય મંત્રી વસ્તુપાલ !'

આ શંખને સાંભળવાનું ટાણું ન રહ્યું. એણે પોતાની સેના સામે જોયું. સેના નાસી રહી છે – સાગરના બંદરબારા તરફ.

શંખ નાઠો. રણપટ ખાલી હતું, ફક્ત ચાર શબો સૂતાં હતાં.

દરિયાનાં પાણીમાં ખૂંદણ મચી ગયું. શંખનાં વહાણો પર હાહાકાર મચી ગયા. સેનભર્યાં વહાણોને હંકારીને વહાણવટી શંખ સાથે નાઠા. એ વહાણો સદીકનાં હતાં.