પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
132
ગુજરાતનો જય
 


“સાથે આવી છે.."

"ઠીક, વયજૂ ! બહેન ! તારો ભાઈ પોતાનો સર્વ સ્વધર્મ બજાવી ચૂક્યો છે. ઓછપ આણતી નહીં. તું ધન્યભાગી બની છે એમ સમજી લેજે. હૈયું હાથ રાખજે. હું સાક્ષી હતો – છું – ને હજુ રહીશ.”

એ સાંભળ્યા પછી વયજૂકા રડતી બંધ પડી. ભાઈએ બહેનને જે કહ્યું તેનો મર્મ કોઈ બીજું ન સમજી શક્યું છતાં વગર સમજે વાતાવરણમાં કોમળતા મહેકી ઊઠી.

"બીજું કોણ કોણ આવ્યું છે. બા ?"

"મારી સોખુ.”

"શું બોલો છો?"

“તમારી સોખુએ જ ઉધામા મચાવ્યા તેનું આ પરિણામ છે, ભાઈ !” જેતલદેવીએ કહ્યું, “પછી બધી વાત કરીશ.”

ચિતા સળગતી રાખી, સૈનિકોને સોંપી, મંત્રી અને મહેમાનો ઊઠ્યા. રાતની ત્રીજી ઘટિકાએ ખંભાત નગરીએ પોતાનાં ઉઘાડાં દ્વારમાં મેદનીને સમાવી લીધી.

ત્રણેય ચાહમાન પરોણાઓને યોગ્ય સન્માનથી ઉતારો આપીને વસ્તુપાલ રાતે ને રાતે જેતલદેવીને મળ્યો. વયજૂકા અને સોખુ પણ ત્યાં જ બેઠાં હતાં.

"આપ આ મદદ લઈને કેવી રીતે આવી પહોંચ્યાં, બા?” એણે કથા પૂછી.

જેતલદેવીએ વૃત્તાંત કહ્યો: “તમારો સંદેશો આવ્યો ત્યારે મારે તો ઝેર ખાવા જેવી સ્થિતિ હતી, ભાઈ ! રાણા અને તેજપાલભાઈ બેયને પાટણ ચડી સવારીએ જવું પડ્યું છે. એનું તો નારાયણ જે કરે તે ખરું એના ગયા પછી મારુદેશના આ ત્રણ પરોણા આવી ચડ્યા. ભેગો એમનો રસાલો પણ હતો.”

“કેમ આવ્યા છે?"

"ચાકરીએ રહેવા. મેં રોકાવ્યા, પણ ખંભાતમાં શું થઈ રહ્યું છે તેની વાત એમને કહેવરાવતાં મારી જીભ ઊપડી નહીં. ત્યાં તો તમારે ઘેર તમારી લાડકી સોખુના ધમપછાડા મચી ગયા. એ તો કહે કે મરી જાઉં તોય ખંભાત પહોંચ્યે રહું. એ તો દોડી ખંભાતને મારગે. માણસોની દોટાદોટ ને ગોકીરા થઈ ગયા. એણે રડી રડીને રાજગઢ ગજાવ્યો. કહે કે આપણે સ્ત્રીઓ તલવારો બાંધીને નીકળીએ. મને તો સૌ રાજપૂતાણીઓમાં નપાવટની નપાવટ કહી કાંઈ ટોણાં માર્યા છે ! મારી છાતીએ તો એણે કાંઈ ડામ દીધા છે, ભાઈ ! મને કહે કે કોઈના ચૂડા ભંગાવવા બેઠાં છો એ તો ઠીક, પણ પોતે રાજગઢમાં ગરી રહ્યાં છો ! એને ફાવે તેમ કહ્યું. સારું થયું કે એણે મને મારું કુળ ને મારી જાત યાદ કરી આપી. હું તો તૈયાર થઈ.