પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
142
ગુજરાતનો જય
 

स्वैरं भ्रमन्तीमपि वस्तुपाल ।
स्वकीर्तिमाहः कवयः सतीं तु ॥

[બીજાઓની કીર્તિ તો ઘર અંદરથી બહાર કદી પગ દેતી નથી તો પણ લોકો તેને અસતી, વંઠેલી કહે છે. અને હે વસ્તુપાલ ! તારી કીર્તિ તો સ્વેચ્છાએ ગમે ત્યાં ભમે છે તો પણ તેને કવિઓએ સતી શિયળવતી કહી છે.]

આ બધા કવિઓને મંત્રીએ છૂટે હાથે ઈનામો ને પોશાકો દીધાં. ને તે દિવસથી સ્તંભતીર્થ (ખંભાત) અને ધોળકું કવિઓરૂપી મધમાખીના મધપૂડા બની ગયા. મેળવેલા દ્રવ્યનું એણે મોકળા મનથી સાહિત્યકવિતા પાછળ વિસર્જન માંડી દીધું. અને એને થોડો ગર્વ પણ થયો કે પોતે કાવ્યનો મર્મગામી બની ગયો છે. એ ગર્વના ગંજનનું ગાણું વેળાસર આવ્યું. ખંભાતના થાંભણા પાર્શ્વનાથના જિનમંદિરે પોતે ધોળકાના સંઘ સાથે વંદવા આવ્યો. વંદના દેતો ઊભો છે ત્યાં મલવાદિનસૂરિ નામના જૈન યતિએ પોતાના યતિસમૂહને લઈ પ્રવેશ કર્યો. પેસતાં વાર જ એ આચાર્યે પ્રભુનામ કે ધર્મપાઠ મૂક પડતા, અને મોટે રાગે એક કાવ્યપંક્તિ લલકારી –

अस्मिन्नसारे संसारे सारं सारंगलोचना।

[આસારહીન સંસારમાં સારરૂપ તો ફક્ત એક સારંગલોચના કહેતાં મૃગનાં જેવાં નયનોવાળી સુંદર સ્ત્રી જ છે.]

એક ત્યાગી પુરુષના મોંમાંથી, દેવની પ્રતિમા સામે અને સેંકડો સ્ત્રીપુરુષોની વચ્ચે, આવી શૃંગારવાણી, પૂર્ણ લલકારભેર સાંભળીને જનમેદની ભોંઠી પડી અને મંત્રીને એનું મુખ ન જોવા જેવું લાગ્યું.

તે પછી સો-બસો સૂરિઓ આવીને બેઠા. મંગલદીપની વિધિ પૂરી થઈ એટલે મંત્રીને આશીર્વાદ આપવા પણ સૂરિઓએ મલ્લાવાદિનસૂરિને જ મંત્રી પાસે મોકલ્યા. એણે પહેલી વાર તો ચૈત્યની બહાર ઊભા રહીને ગાયું હતું. પણ આ વેળા તો હાથ લાંબા કરી મંત્રીને મોઢામોઢ નિર્દેશીને પાછી એની એ વિલાસભાસી પંક્તિ લલકારી –

अस्मिन्नसारे संसारे सारं सारंगलोचना ।

આવા આશીર્વાદથી અતિ ખેદ પામીને મંત્રીએ ફક્ત બે હાથ જોડી વંદી લીધું ને એ ધર્માચાર્યોની વિલાસભ્રષ્ટતાથી દુભાયેલો પોતાના ઉતારે ચાલ્યો ગયો. અન્ય લોકોની આંખ પણ આ ઊંધી ખોપરીના આચાર્યના ગેરવર્તન સામે ફાટી રહી. આચાર્ય મલ્લવાદી તો નફ્ફટ લાગે તેવા તોરથી પોતાના મઠમાં ચાલ્યા ગયા. એણે કોઈને કશો પ્રશ્ન પૂછવાની તક ન દીધી, કોઈને કશો ખુલાસો ન કર્યો.

વસ્તુપાલે મંડાવેલી એ પાર્થ-પૂજાના પાઠ આઠ દિવસ સુધી ચાલ્યા. આઠેય