પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
144
ગુજરાતનો જય
 

એક ગામડિયો તો વધુ કાંઈ પૂછ્યાગાડ્યા વગર ઊપડ્યો પરભારો સમુદ્રને નજરે નિહાળવા પહોંચ્યો સમુદ્રતીરે. સામે દીઠો ગગનને ચુંબતાં મોજાંની તરંગાવળે દીપતો દરિયો. પ્રસન્ન થયોઃ આહાહા ! આંહીંથી તો બધી જ રિદ્ધિઓ ઉપાડી જઈશ, પણ પહેલાં હું તરસ્યો થયો છું એટલે પાણી તો પી લઉં ! એમ કહીને ખોબો ભર્યો, પીધું, કોઠો સસડી ગયો અને પિડાતો એ બોલ્યોઃ

વરિ વિયરો જહિં જણ પિયઈ
ઘુટ્ટગઘુટુ ચુલુએણ;
સાયરિ અત્થિ બહુય જલ
છિ ખારઉં કિં તેણ.

[એક જ જણ જ્યાં ઘૂંટડે ઘૂંટડે જ પાણી પી શકે તેવો અલ્પ જળવાળો અમારી મરુભોમનો વીરડો આથી વધુ સારો છે. આ સાગરનું જળ અગાધ છે તેથી શું? એ તો ખારું છે !]

“એમ કહેતો કહેતો એ મૃત્યુ પામ્યો. આજે અમારી પણ એ જ દશા થઈ છે, મંત્રી!”

"કેવી રીતે?” વસ્તુપાલે પૂછ્યું.

“અમે શ્રીપાર્શ્વનાથના સેવક, વિદ્યાના અનુરાગી, અહીં બેઠા બેઠા સાંભળતા હતા કે ધોળકામાં સરસ્વતીકંઠાભરણ, શારદાનો લાડીલો, અને વિદ્વાનોરૂપી ભ્રમરોનો આંબો, સારાસારનો વિચારક મંત્રી વસ્તુપાલ વસે છે. અમારાથી આ પાર્શ્વપ્રભુની સેવા છોડીને ધોળકે જવાતું નહીં. આશા હતી કે કોઈક દિવસ આંહીં જ મંત્રીના મેળાપ થશે; ને તેની પાસે અમે પણ સુભાષિતો સંભળાવી કાવ્યાનંદ માણશું. તમે આવ્યા, ને અમે અમારી સૂક્તિ લલકારી, ત્યાં તમે મોં ફેરવ્યું. અમારો કલ્પેલો રત્નાકર ખારો ધૂધવા જેવો નીવડ્યો. એક ઘૂંટડોય મીઠું જળ અમે પામ્યા નહીં. અમે મરુભોમના ગામડિયા જેવા, તું-રૂપી રત્નાકરની પૂરી વાત જાણ્યા વગર તારે તીરે દોડ્યા આવ્યા ! હવે શું બોલીએ? પધારો મંત્રી, સુખેથી પધારો!”

શરમાયેલા વસ્તુપાલે ક્ષમા માગીને સૂરિને વીનવ્યા: “હવે તો કહો ! આપે આંહીં પ્રભુમંદિરમાં ઊભા રહી એ મૃગનયનીની શી પ્રશસ્તિ લલકારવા માંડી હતી?”

"અમે તો બિરદાવતા હતા સંસારની રત્નજનેતા રૂપાળી સ્ત્રીઓને. અમારાં પ્રથમનાં બે ચરણો આ રહ્યાં –

अस्मिन्नसारे संसारे सारं सारंगलोचना
[આવા અસાર સંસારે સાચી સારંગલોચના]