પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંઘ શોભે?
149
 

બેસારી દીધા છે. હજુ રાણાને એકેય સંગ્રામમાં ઊતરવું નથી પડ્યું. જાણે કે રાણા ડરે છે. ધોળકાની પ્રજાને તમે પણ જાણે કે તે દિવસ ભોળવી લીધી હતી !”

"પૂછો તો ખરા તમારા રાણાને,” જેતલદેવીની રાજપૂતી સતેજ બની, “કે મેં આટલા વખતમાં કેટલી વાર એને વણથલી માથે ચડવાની કાકલૂદી કરી છે!”

“પણ બા, લોકોને એ બધી ઓછી જ ખબર છે? એ તો હમેશાં રણવાસનો જ દોષ દેખે. એ ગમે તે હો, પણ મારી તો વિનતિ એટલી જ છે કે આ શ્રાવકોનો યાત્રાસંઘ સોરઠ જિતાયા પહેલાં નીકળવો ન જોઈએ. નહીં તો આબરૂના કાંકરા થશે.”

“તમે રાણાને વાત તો કરો !”

“હું કરું એ કરતાં તમે જ કરો, બા મારું હૈયું બળે છે એટલે કહેવા આવ્યો છું. પાછળથી કંઈક વિપરીત બને એટલે મોટા રાણા મને જ લેતા પડે છે તેથી વેળાસર કહી છૂટું છું. મને બ્રાહ્મણભાઈને વધુ કશી ખબર પડતી નથી એટલે જેવું સાંભળું છું તેવું જ કહી નાખું છું. તમારી પાસે થઈ શકે તે બધી જ વાતો રાણાજી પાસે થોડી થઈ શકે છે? તમારી આગળ તો બે વેણ વધુઘટુ બોલાય તો ક્ષમાને પાત્ર થઈ જાય. ને બીજી વાત તો એ છે કે એકલા મંત્રીઓ જ બધો બોજ ઉપાડે છે ને બધાં પરાક્રમો કરે છે તેવી માન્યતા સરવાળે તો રાજાને પૂતળું બનાવી દેનારી બનેને, બા!”

"એ ખરું છે.” ભોળી સોરઠિયાણી વિચારમાં પડી.

"ને પછી, તમે છો સાચાં ક્ષત્રિયાણી. રાણાજીનો તેજોવધ તમને જ અકારો થઈ પડશે. બીજી બાજુ રાણાજી જો બેઠાડુ બની જાય તો તે દહાડે એના પેટમાં પણ....”

“શું? શું કહેતા રહી ગયા?”

“કહેતાં જીભ કપાય. પણ રાજાઓ નવરા રહે એટલે નવી રાણીઓ લાવવાના મનસૂબા કરે.”

જેતલદેવીને ખરેખરી ફળ પડીઃ “તમે મને સાચું કહો, ચોખ્ખું કહો, એવું કાંઈ ચાલે છે?”

"ના ! જૂઠું બોલું તો મહારુદ્રની દુહાઈ. આ તો મારી પાપભરી ચિંતા દર્શાવું છું.”

“ઠીક, હવે તમે જાવ, ગુરુદેવ !” રાણી અધીરા બન્યાં; “હું હવે નીંદરમાં નહીં રહું સારું થયું કે તમે અંતર ઉઘાડીને વાત કરી, નહીં તો મને આંહીં ગઢમાં બેઠેલીને શી ખબર પડે કે બહાર શું થઈ રહ્યું છે!”