પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
152
ગુજરાતનો જય
 

છું.”

“મારે તમારી કાંઈપણ સલાહ આ બાબતમાં તો લેવી જ નથી.”

“આનું નામ જ રાજપૂતીનું દેવાળું, હો બાપુ!” વસ્તુપાલે વગર થડક્યે સંભળાવ્યું. એ હસતો હતો.

“ને આનું નામ મંત્રીપણાની મગરૂબી, ખરુંને?”

“આપને એમ લાગતું હોય તો મંત્રીપદ પાછું સોંપતાં મને કઈ વાર છે?”

“તો શું કહેવું છે? ઝટ કહી નાખ, ભાઈ! એટલે છૂટકો પતે.”

"કહેવું છે એટલું જ કે વામનસ્થલી પર ચડવાના કંઈ ઢોલ ન વગડાવાય; ઢોલ તો વામનસ્થલી જીત્યા પછીના જ શોભે.”

“તો મારે શું બાયડીનો વેશ પહેરીને વામનસ્થલી જવું?”

“હું તો એ પણ કરું. પરંતુ આપને કરવા નથી કહેતો. કેમ કે સ્ત્રીવેશમાં પણ આપ અછતા નહીં રહો.”

"એવો કદરૂપો છું એમ ને?”

“ના, એવા પૌરુષવંતા છો.”

"તો શું કરવું?”

“આપે વમનસ્થલી જુદે માર્ગે સૈન્ય લઈ જવું. ખંભાતથી જળમાર્ગેઃ ને સોરઠના કોઈક નાનકડા ખાળામાં જઈ કાંઠે ઊતરવું. ત્યાંથી રાતોરાત વામનસ્થલી.”

"હું દગો નહીં રમું. તમે બધા શિખામણો આપો છો પણ જેતલ એના પિયરનાં ઝાડવાં જોઈને વેવલી નહીં થઈ જાય એની મને કંઈ ખાતરી છે?”

"માટે જ કહું છું કે જેતલબાને સીધાં જમીનમાર્ગે વેલડામાં એકલાં મોકલો. એને આપણાં સાંધિવિગ્રહિક બનાવો. એને સાડીસાત વાર ખેવના હોય ને આપને કહેવા પાછાં આવે તો જ પછી ભાંગજોને વામનસ્થલી; બાકી આપ માનો કે ચોડેધાડે સેનાનાં ડંકાનિશાન ગડગડાવતા ને ધોળકાની ધજાઓ ફરકાવતા આપ વામનસ્થલીને સીમાડેય પહોંચી શકો, તો એમાં આપ ખત્તા ખાશો અને અમારાં મોત બગાડશો. વામનસ્થલી તો કોણીનો ગોળ છે. ને વામનસ્થલીના રણાંગણમાં જ સમગ્ર સોરઠધરાનો આપણો પ્રશ્ન નક્કી થઈ જવાનો છે એ ન ભૂલજો. આ કાંઈ જેતલબાનું અંગત વેર વાળવાનો કે વટ બતાવવાનો પ્રશ્ન નથી. આ તો રાજનીતિનો સવાલ છે.”

વીરધવલનું સરળ ને સાચકલું હૃદય, સમજી ગયા પછી રીસ છોડીને મંત્રીશિખામણ પ્રત્યે કૂણું પડ્યું. પણ એ રહસ્ય જેતલદેવીના હૃદયમાં ઉતારતાં લાંબો કાળ લાગ્યો. ઘણા મહિના જવા દેવા પડ્યા.