પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વમનસ્થલીનાં વૈર
153
 


“એક જ શરતે હું તમે કહો તેમ કરવા તૈયાર છું.” જેતલદેવીએ છેવટે એક દિવસ મંત્રીને જવાબ વાળ્યો, “કે તમારે બેઉએ આ ચડાઈમાંથી દૂર રહેવું. રાણાને એકલાને એનું પાણી બતાવવા દેવું.”

"ને મારી શરત એ છે બા, કે તમારે સમજણથી પતે ત્યાં સુધી સંગ્રામમાં રાણાને ન ઓરવા. નહીંતર બેય વાતે તમારી આંખોમાં તો આંસુડાં જ રહેવાનાં.”

થોડા દિવસે મંત્રીએ રાણાની પાસે વાત મૂકી કે, “ચંદ્રાવતીથી તેજપાલના સસરાનો જરૂરી ખેપિયો આવેલ છે. એટલે ત્યાં એને કૌટુંબિક કામે જવું પડે તેમ છે; ને એ તરફનાં બીજાં રાજકામો પણ કરવાનાં ઊભાં છે. સિંધનો હમ્મીર (પાદશાહી સૂબો) ગુજરાત પર શા શા મનસૂબા ગોઠવી રહેલ છે ને તેની સામે ચંદ્રાવતી આપણને કેવીક મદદ આપી શકે તેમ છે, તે બધી જાતતપાસ ગુપ્તવેશે તેજપાલ ભલે કરી આવતો. હું ધોળકું ને ખંભાત બંનેનું ધ્યાન રાખીશ. ધાર પરમારનું પાણી એક વાર પરખી લેવું રહે છે.”

રાણાએ રાજી થઈને હા કહી, એટલે તેજપાલ પોતાના પચીસેક વિશ્વાસુ સુભટોને અને હેરકોને લઈ નીકળી પડ્યો. પણ એ વિરમગામ સુધી જઈને રાતોરાત આડો ફંટાયો, સોરઠ પર ચાલ્યો. રાતોરાત પચીસેય જણાના વેશ, પોશાક અને ચહેરામોરામાં ફેરફાર થઈ ગયો અને બેબે-ચાર જુદા પડી ગયા. કોઈ ટુકડી બાવાવેશે ભીખ માગતી, તો કોઈ બ્રાહ્મણવેશે દોરાધાગા કરતી, કોઈ દવાની યાકૂતીઓ વેચતી તો કોઈ આયુર્વેદની ઢબે વૈદું કરતી, ટીપણાં જોતી, એમ વહેંચાઈ જઈને મજલ કરતી કરતી વામનસ્થલી પહોંચી ગઈ હતી. તેજપાલે પોતે એક વૈદ્યની ટુકડીમાં ખરલ ઘસનારાની ભૂમિકા લીધી.

મહિનાઓ પછીના એક દિવસે વામનસ્થલીને રાજગઢ-દ્વારે આવીને એક વેલડું બરાબર સંધ્યાકાળે ઊભું રહે છે. ભેળો કોઈ વોળાવિયો નથી. દરબારમાં મશાલટાણું છે. ચામુંડરાજ અને સાંગણ બેઉ રાજવી બંધુઓના જયકાર ગાતાં નગારાં રાજગઢના કોઠા પર ગડગડી રહ્યાં છે. ચોપદાર લલકારે છે. મશાલટાણાના દરબારમાં શાગિર્દી, ભાયાતો, જિવાઈદારો ને સૈનિકોની ઠઠ જામી છે. એ સર્વની સામે વેલડીમાંથી ઊતરેલી સ્ત્રી આવીને ઊભી રહે છે ત્યારે સોરઠી રાજવળાના શિષ્ટાચાર પર વજ્રપાત જેવો આઘાત પડે છે. મશાલકચેરીમાં એક સ્ત્રી ! રજપૂતાણી: ખુલ્લે મોંએ ! આંગળીએ વળગેલો પાંચેક વર્ષનો એક બાળક ! ને બાઈના ગળામાં ને કાંડામાં, પગમાં ને લલાટ ઉપર એકેય અલંકાર નહીં, હેમની કટકી પણ નહીં !

થાકેલું, કરમાયેલું, બળેલું ઝળેલું એ મોં ઓળખાતાં વાર લાગી. મશાલનો ભડકો એના મોં પર પડ્યો ત્યારે પિછાન પડીઃ “કોણ આ? જેતલ? તું આંઈ?