પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
156
ગુજરાતનો જય
 

પૂછ્યું: “શો સંદેશો છે?”

"પધારો, ગુર્જરનાથ ! પધારો, અણગાંજ્યાના ગંજણ ! પધારો, અભંગના ભંજણહાર ! મારા મહિયરને રોળી નાખતાં અરેરાટી ન થવા દેતા. ને મારા ચૂડલાની પણ દયા ન રાખતા. મારા માના જણ્યાઓએ મને ધરપત દઈ રાખી છેઃ મારા ચૂડાને એ ખાંગો થવા નહીં દિયે. મને તો મારા વીરા બીજે ઘરઘાવવાના છે !”

“એટલી બધી વાત બની ગઈ?”

"હા, રાણાજી ! હવે મારાં આંસુને યાદ ન કરતા, જય ગુજરાત, બોલો જોદ્ધાઓ, જય ગુજરાત!”

"જય ગુજરાત ! જય ગુજરાત ! જય ગુજરાત !” એવી સમૂહઘોષણા જ્યારે સેનાને એક છેડેથી બીજા છેડા સુધી ગગડતી ગઈ, વામનસ્થલીના દરવાજે દરવાજે અફળાતી ચાલી, ત્યારે ચામુંડરાજ અને સાંગણના કાનનાં તમરાં ઊડ્યાં ને શું બની રહ્યું છે તેનું પૂરું ભાન આવે તે પૂર્વે તો રાણાના અશ્વ ઉપરવટે રાજગઢની દીવાલે મોયલા બે પગના ડાબલા માંડી પણ દીધા હતા. રાત અંધારી હતી. રાણાના લશ્કરને અંધકારની યારી હતી. બહારગામો સાથે વામનસ્થલીનો વહેવાર કપાઈ ચૂક્યો હતો.

રાજગઢ સામેના ચોગાનમાં રાણા ઉપરવટની પીઠ પર ગગજ પહોળી છાતી ફુલાવીને પલાણ્યા હતા. રાણી એની આગળ ઊભાં હતાં. રાણાએ બિડાયેલા રાજગઢની માઢ મેડી સામે ત્રાડ દીધીઃ “ચામુંડરાજ! હજુય વખત આપું છું. વિચારી જો. તું મારો સ્વજન કહેવા.”

એના જવાબમાં રાજગઢની મેડી પરનો એક ઊંચો ઝરૂખો ઊઘડે છે. મશાલ ઝળહળે છે. ને બે પુરુષોની વચ્ચે એક નાના બાળક જેવું કોઈક દેખાય છે. દેખાવ હજુ જરા અસ્પષ્ટ છે. પણ જેતલદેવી ઝબકી ઊઠે છે.

ઉત્તાપમાં ને ઉત્તાપમાં જેતલદેવીએ જ્યારે વેલડું પાછું હંકાવ્યું ત્યારે એને ખબર નહોતી રહી કે પોતે શું લઈને ભાઈને ઘેર આવી હતી ને શું ભૂલીને પાછી વળતી હતી. કાંઈક ભૂલી છું, કાંઈક ભૂલી છું, એવા ભણકારા વાગતા હતા. પણ ભાઈઓના માણસો સાથેની રકઝકમાં, ભાભીઓની તાણાખેંચમાં અને ગામબહાર જઈ પહોંચવાની ઉત્સુકતામાં એ ભાગી નીકળી હતી. ને તે પછી તો રાણાને ઉત્તેજવામાં જ એ બેધ્યાન બની હતી. એકાએક એણે પોતાના જમણા હાથની આંગળી જોઈ. પોતાની બાજુ તપાસી, બધું જ ખાલી હતું. આંગળીએ કોઈ વળગ્યું નહોતું.

“મારો વીરમ ક્યાં? વીરમદેવને કોણે વેલમાંથી ઉતાર્યો હતો?" જેતલદેવી એવા પોકાર પાડીને રાણાને પૂછવા લાગી.