પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વમનસ્થલીનાં વૈર
157
 


"વીરમદેવની વાત કરો છો?" રાણાએ પૂછ્યું, “વીરમદેવ તો તમારા વેલડામાં હતો જ નહીં, દેવી!”

“અરે વીરમ તો મારી આંગળીએ જ હતોને !" જેતલદેવીને એ ભ્રમણા રહી ગયેલી. બાળક વીરમદેવ જાણે પહેલેથી છેલ્લે સુધી પોતાની આંગળીએ જ વળગેલો હતો.

“ગોતો રે ગોતો! મારો વિરમદેવ મારો છેડો ઝાલીને જ ઊભો હતો.” રાણી રાડો પાડવા લાગી. પરંતુ વીરમદેવ ત્યાં નહોતો. વીરધવલને ધાસ્તી પડી ગઈ કે વીરમદેવનો કબજો એના મોસાળે કરી લીધો હતો.

“રાણકી!” રાણાને પોતાની ચડાઈ ધૂળ મળતી લાગી, “વીરમદેવને શોધો નહીં. વીરમને મેળવવો હશે તો સંગ્રામ બંધ રાખી મોંમાં તરણું લેવું પડશે.”

“હેં!” રાણીનો સાદ ફાટી ગયો, “વીરમનેય ચોર્યો ! મારો વીરમદેવ, મારો પનોતો એકનો એક કુમાર મહિયરમાં પુરાણો ! માડી રે  !"માતાનું હૃદય પામરમાં પામર બની ગયું.

"રાણકી!” વીરધવલે નામોશી અને પરાજયથી ભરેલા એક પલ્લાની સામે બીજા પલ્લામાં વીરમનું શબ કલ્પી લીધું, “હવે પાછા વળીએ, નહીંતર વીરમ જીવતો પાછો નહીં મળે.”

“મારો વીરમ જીવતો પાછો નહીં મળે? મારા માડીજાયા શું એના ભાણેજને મારી નાખશે?"

“હા, હા, ફેર પડશે નહીં. જુઓ જુઓ, રાણકી !" વીરધવલે ગઢની મેડીને ખુલ્લે ગોખે સાંગણને દીઠો. મશાલનું અજવાળું દીઠું. અજવાળે વીરમદેવનું પાંચ વર્ષનું રૂપાળું સ્વરૂપ દીઠું. સાંગણ એ પાંચ વર્ષના ફૂલને ગરદનથી પંજામાં ઝાલીને ઊંચો કરી રહ્યો છે. “જુઓ, રાણકી ! સાંગણ વિકરાળ હાસ્ય કરતો કરતો, ચિત્કાર કરતો કરતો, આપણા વહાલા વિરમદેવને ઊંચો ઉપાડે છે – એના પંજાની પકડમાં. એ શું સૂચવે છે? મર્દોના હાકોટા પડકારા અને આ યુદ્ધના ઘમસાણની વચ્ચે એ ત્રાડ નાખે છે, કે બહાર નીકળો, શરણે નમો, નીકર આટલી જ વાર છે. એમ કહેતો એ બીજા પંજાની મુઠ્ઠી વાળીને બતાવે છે કે આમ દબાવીને ચેપી નાખીશ – અને જુઓ, આપણો વીરમ એના પંજામાં કેવા પછાડા મારે છે, આપણને ચીસો પાડી પાડી બોલાવે છે, આપણી સામે હાથ લંબાવી લંબાવી પોકારે છેઃ ઓ બાપુ ! ઓ માડી ! ઓ તમે ત્યાં કેમ ઊભાં છો? ઓ મારે આવવું છે. મને તેડી લો!”

સેના આખી એ ગોખની સામે થંભી રહી હતી. રાણો-રાણકી સામસામું જોતાં હતાં. વીરમદેવની ચીસો અને આવલાં જોયાં ન જાય તેવાં હતાં. સાંગણ-ચામુંડ