પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધણીનો દુહો
161
 


“ત્યારે તો વીરમદેવને તમે બચાવી લીધો.”

"શંભુએ.”

“તને ભેટીને ભીંસી નાખું તેવું થાય છે. એક વાર આ દરબાર પૂરો થવા દે, પછી તારી વાત છે. મારા વિજયમાં ભાગ પડાવનાર ઈર્ષ્યાળુ !”

“હા, હમણાં ચૂપ જ બેઠા રહેજો. નહીંતર સોરઠિયા લૂંટારા ગુજરાતના ધણીની વેવલાઈ પારખી લેશે તો પાછા નીકળવા નહીં આપે.” .

"લે, હું વેશ પૂરો ભજવું.” એમ કહી એ દરબારની મેદની તરફ ફર્યો ને બોલ્યો, “એક મહિનો અમારો પડાવ આંહીં છે. ગુજરાતના દ્રોહીઓને પકડી પકડી કાંધ મારવા છે. ઘાતકોને તૈયાર રાખો. ચુડાસમા, વાજા કે વાળા, કોઈ કરતાં કોઈને જતા ન કરજો.”

"આંહીં કોઈ ચારણ હાજર છે કે નહીં?" જેતલદેવીએ કચેરીમાં ચોમેર ડોળા ઘુમાવ્યા. એની ઉત્તેજના હજુ ઊતરી નહોતી.

દુંદુભિ વાગતાં હતાં, નેકી પોકારાતી હતી, બ્રાહ્મણો સ્તુતિપાઠ ભણતા હતા, વણિકો વખાણ કરતા હતા, પણ જેતલદેવીને જરૂર હતી ચારણની જીભના ચાર બોલનીઃ “કોઈ દેવીપુત્ર જીવતો છે કે નહીં સોરઠમાં?” એણે ફરી ફરી ડોળા ઘુમાવ્યા.

"ઘણાય હતા, મા !" માણસોએ ખબર દીધા, "પણ નાસી ગયા રાત લઈને. વર્ષો સુધી લૂંટારાઓનાં ગુણગાન ગાનારા રફૂચક થઈ ગયા.”

“છે-છે-છે-એક,” એમ એક માણસે ખબર દીધા, “એ બુઢ્ઢો ન ભાગી શક્યો, એ પડ્યો દોઢીમાં પડ્યો પડ્યો કશુંક લવે છે.”

“બોલાવો એને.”

જર્જરિત એક હાડકાનું માળખું કચેરીમાં પ્રવેશ કરે છે. એને દોઢીમાંથી ઉપાડવો પડ્યો છે. એને દરબાર સુધી પગ ઘસડાવીને લાવવો પડ્યો છે. એને આજ પ્રભાતનો કસુંબો મળ્યો નથી. પાઘડીના આંટા એના ગળામાં પડ્યા છે.

એ ચારણે કચેરી દીઠી, ને એ ટટ્ટાર થયો. એના હોઠ પર કશાક શબ્દો ફફડતા હતા.

“ગઢવા!” જેતલદેવીએ ઓળખ્યો. ગઢમાં રહેતો હતો પચાસેક વર્ષથી: "જેતલ એના ખોળામાં ખેલી હતી. બુઢ્ઢાને એણે પૂછ્યું: “ગઢવા ! કવિરાજ ! બિરદાઈની કવિતાનું ક્યાં કમોત થયું?"

"રાણકી !” બુઢ્ઢા ચારણે સહેજ આંખો ઉઘાડીને જેતલદેવીને પોતાની સફેદ ભમ્મરો નીચેથી નિહાળીને કહ્યું, “આજ સુધી જૂઠા જશ ગાયા. આજ રાતે મેં