પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
162
ગુજરાતનો જય
 

નજરોનજર જોયું, પ્રભાતથી વેણ ગોતું છું. બોલું?”

"બોલો.”

“લે ત્યારે –

"જીતી છઈ જાણે ઈ
સાંભલિ સમહરૂ બાજિયઉ“

જીત મેળવી છ જણાએ – ફક્ત છ જણાએ, મારા બાપા એકલોહિયા અને એક હેડીના છ જ જણાએ. એ છ જણે જીત્યું સમરાંગણ.”

એમ બોલીને ચારણ ચૂપ રહ્યો. એને ઝોકું આવ્યું.

"કોણ કોણ છ જણા?”

“એ છયેનાં નામ બીજાં બે ચરણોમાં આવશે, બાપ!”

“ભણો ત્યારે.”

“આજ નહીં ભણાય, મારી ભાણીબા. હજી તો બીજા ચરણો તૈયાર જ નથીના?” ચારણે ઝોકાં ખાતે ખાતે કહ્યું.

"ક્યારેક તૈયાર થશે ?"

“કાલ સવારે.”

"કાલ સવારે એ બે ચરણો લઈને જ આવજો, ગઢવા!”

ચારણને પાછો દોઢી પર મૂક્યો. પણ તે પછીના આઠ પ્રહર સુધીમાં એ ચારણની પાસે ટંકશાળ પડી. ગુર્જરા શૂરવીરોની આકાંક્ષા હતી, કોઈક બિરદાઈની જીભે પોતાનાં નામો ચડાવવાની. છૂપા છૂપા કંઈક ભટો ને સામંતો ગઢવાની પાસે પહોંચી આવ્યા; માગણી સૌની એક જ હતીઃ “કવીશ્વર: કવિરાજા એ છ વિજેતાઓમાં મારું નામ ગોઠવશો?”

"હા બાપ ! તું જ રૂડા મોઢાનો ! મેં તુંને નજરોનજર જોયો હતોને ! તારું નામ ન મૂકું તે દી તો પ્રથવી રસાતાળ જાયને, મારા બાપ ! ખમા તુંને. ભામણાં (વારણા) લઉં તારાં!”

"ત્યારે લ્યો કવિરાજ, આ ગરીબની ભેટ.” એમ કહીને એક વીર દાન દઈ ગયો. બીજો આવ્યો. બીજાને પણ એ જ જવાબ; બીજા પાસેથી પણ દાનઃ એવા અનેક આવ્યા. પોતાના નામને એક જ દુહામાં બેસડાવવાની કાકલૂદી કરી ગયા. ખાતરી લઈ ગયા, દાન દઈ ગયા.

તેજપાલનું લક્ષ્ય આ રોનકમાં નહોતું. રાણા સાથે બીજી બધી વાતો કરતાં પહેલાં જેતલદેવી વિશેની ચિંતા એને ચોંટી હતી. રાણકી રાણાને મળતી નહોતી, વીરમને રમાડતી નહોતી, ઉત્તેજિત અવસ્થામાં આખી રાત જ બેઠી હતી.