પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધણીનો દુહો
163
 


"જેતલબા ગાંડાં થઈ જશે. એ હજુ એકેય વાર રડ્યાં નથી. એના ભાઈઓના મોત માથે એણે ધ્રુસકો મેલ્યો નથી.” તેજપાલે રાણાને સચિંત હૃદયે જણાવ્યું.

પણ ઇલાજ સૂઝતો નહોતો. રાત માંડ માંડ નીકળી.

વળતા દિવસ સવારની કચેરીમાં બુઢ્ઢો ચારણ કેફ કરી કારવીને આવ્યો. આવતાં વાર જ સાંઠીકડા જેવી ભુજાઓ લાંબી કરી કરીને લલકારી ઊઠ્યો –

“જીત છઈ જણે ઈ
સાંભલિ સમહરૂ બાજિયઉ”

એમ એ ત્રણ વાર બોલ્યો, કચેરી ટાંપી રહી, કેટલાંય હૈયાં આશાહીંડોળે ફંગોળ લેવા લાગ્યાંઃ હમણાં મારું નામ આવશે: અબઘડી મારું નામ અમર થશે !

ને પછી ચારણે કહ્યું: “કોણ કોણ છ જણાએ જીત્યું આ ધીંગાણું? ભણું છું, હો બાપ છયે નામ બરાબર સાંભળજો -

જીતઉં છઈ જણે ઈ
સાંભલિ સમહરૂ બાજિયઉ;
દુહિં ભુજ વીર તણે ઈ
ચહું પગ ઉપરવટ તણે.”

[વામનસ્થલીનો સંગ્રામ છ જણાએ જીત્યો. કોણ કોણ છ જણા? બે તો વીરધવલના ભુજ, ને ચાર એના અશ્વ ઉપરવટના પગ, એ બે ને ચાર છઃ બસ એ છ જણાએ જીત કરી, બાપ !]

આશા અને આકાંક્ષામાં ઊંચાં થયેલાં અનેક વીર-માથાં નીચાં થયાં. આગલી રાતે ચારણને લાંચ દઈ ગયેલાઓ ક્ષોભ પામ્યા. (ને તેમણે પાછળથી ચારણને ફરી વાર દાન દીધું કેમ કે આ છેતરપિંડી તો મીઠી હતી. પોતાના સ્વામીને મળેલું ગૌરવ તેમણે પોતાનું માન્યું.)

“વાહવા ! વાહવા ! વાહવા, ગઢવા !” જેતલદેવી ચિત્કારી ઊઠી, “મારા રાણાએ એકલે હાથે શૂરાતન કર્યું; મારો રાણો આજ કાવ્યમાં બિરાજ્યા. હવે હું સોખુભાભીના મેણાંનો જવાબ વાળીશ. મારા રાણાએ કોને માર્યા, ખબર છે પ્રજાજનો? મારા માજણ્યા બે અસુરોને, અસુરો તોય મારા માજણ્યાને ! આંહીં આવ, વીરમદેવ.” એમ કહેતે એણે વીરમને ખોળામાં લીધો; ત્રણ દિવસે એને પહેલી વાર વહાલ કર્યું, એને હૈયે ભીંસતી ગઈ તેમ તેમ એની આંખો આંસુએ ભરાતી ગઈ, ને પછી એણે મોં ઢાંક્યું. એણે ભાઈઓને યાદ કરી કરી રડી લીધું. એણે કાળાં વસ્ત્રો ધર્યા.

રાણાએ ને તેજપાલે એને મોકળા કંઠે રડવા દીધી. એ રુદન પૂરું થયું ત્યારે