પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
4
ગુજરાતનો જય
 

ગયો’તો. રાત હતી. ઝાંખું ઝાંખું યાદ ચડે છે, પણ પાછી એ સ્મરણાંને માથે મનોવેદનાની કાળી રાત ફરી વળે છે. આ રહી આ પરબડી, ને આ વિસામો, જેના ઉપર મેં વીરુને છેલ્લી વાર બચી ભરેલી.'

એવી યાદદાસ્ત તાજી કરતે કરતે એ રાજવંશીએ ગામપાદરના તળાવની સામે ચણેલા પથ્થરના વિસામાને માથે હાથ ફેરવ્યો. ગુજરાતનાં ગામોનાં પાદરોમાં આવા માથોડું માથોડું ઊંચા ઓટા વટેમાર્ગુઓને માથા પરનો ભાર ઉતારીને વિસામો લેવાને માટે ચણેલા હોય છે.

રાત પડી ગઈ હતી. ગૌધણ ગામમાં પેસતાં હતાં. પછવાડે ગોવાળોનું નાનકડું ટોળું ચાલ્યું જતું હતું. ગોવાળો બધા કદાવર હતા. તેના જેટલો જ પડછંદ આ રાજવંશી ટોળાની ઓથે લપાઈ શક્યો. ગામમાં એકેય દીવો નહોતો, એટલે પરખાઈ જવાની બીક ન રહી. ગામનો અંધકાર દેખીને રાજવંશીએ ગુજરાત સમસ્તની અંધકારગ્રસ્ત દશા પર નિઃશ્વાસ નાખ્યા.

"દેવરાજ પટ્ટકિલની ખડકી કેણી કોર, ભાઈ ગોકળી?" એણે દરવાજાના ચોકિયાતોને સલામત વટાવીને પછી આઘે ઊભીને ગોવાળોને પૂછી જોયું.

“હાલ્યા જાવ ચોરાથી આથમણી શેરીએ. છેલ્લું ઘર દેવરાજ પટલનું.”

વધુ વાતચીતની વેળા આવે તે પહેલાં તો એ રાજવંશી કાજળના વાદળની પેઠે અંધકારમાં ઓગળી ગયો.

દેવરાજ નામના રાજપૂત પટેલની ખડકીમાં તે વખતે ગાય-ભેંસો પ્રવેશ કરતી હતી. પોતે તેમાં પેસી ગયો. ઘરની સ્ત્રી સીમમાંથી આવતા ખેડુ-ધણીને માટે રોટલા ટીપતી હતી. તેનો ટપાક ટપાક અવાજ અને ચૂલામાં સળગતાં તલસરાંના તડતડાટ સંભળાતા હતા.

‘એ જ ટપાકા!' એવું કાંઈક યાદ આવ્યું, ને એ લપાતા રાજવંશીના કલેજાએ અંધારામાં મોટા પથ્થર જેવડો નિ:શ્વાસ નાખ્યો.

અંધારાના ઓડા લઈને સરકતો સરકતો એ ઘરની ઓશરી સુધી પહોંચ્યો. પોષ મહિનાની પધરામણીનો શંખ ફૂંકતા પવન-સુસવાટામાં ઓશરીનો દીવો ઓલવાયો, અને એણે ઘરના ઉંબર પાસેની કોઠી પાછળ પોતાની કાયાને સંકોરી લીધી. તરવાર પરથી કપડું કાઢી નાખીને એણે મ્યાનની વાધરી છોડી.

ઘરમાં રોટલા ઘડતી સ્ત્રીને એ ઓશરીમાં પડતા રાંધણિયાના જાળિયામાંથી જોઈ શકતો હતો. ખેડૂતનાં ધીંગાં કપડાંમાં પણ સ્ત્રી પોતાનું અસલ રાજપૂતી રૂપ અછતું રાખી શકતી નહોતી. ચૂલામાં બળતાં તલસરાંનો ઘડી ઓલવાતો ને ઘડી ભડકે બળતો તાપ આ સ્ત્રીના કાળા પડેલા, મહેનતે મજબૂત બનેલા, રાજેશ્વરીનું