પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકો જેવાં!
167
 


ત્યાં તો જેઠ આવી લાગ્યા. ઠપકો સંભળાવ્યો: “સાંજ થવા આવી તોયે જમ્યાં નથી ! આમ તે કેમ ચાલે?

અનોપે નીચે જોઈને કહ્યું: “ભૂલી ગયા મંડલિકપુરનો એક પ્રસંગ?”

"કયો પ્રસંગ?”

“આપણે સૌ ખાઈને ઊઠી ગયેલાં. પછી ત્રણ અભ્યાગતો આવી ઊભા રહ્યા. આપણા રસોડામાં એક કણ પણ વધેલો નહીં. આપણે જવાબ ન દઈ શક્યાં. બા બાને ઠેકાણે, તમે બેઉ તમારી જગ્યાએ, ને અમે અમારે સ્થાને થીજી ગયાં. શરમથી ધરતીમાં સમાઈ જવા મન થયું. ઘરમાં કશું એઠું જૂઠું પણ દેવાનું રહ્યું નથી એમ કહીયે ન શકાયું. ભૂખ્યા અભ્યાગતો નિ:શ્વાસ નાખી બહાર નીકળી ગયા ને આપણી આંખોમાં દડદડ પાણી પડ્યાં. આજ ક્યાંઈક એ રીતે લુણિગભાઈનો આત્મા નવા અવતારે આવી ચડે ને ઘરમાં કશું દેવા ન હોય તો આપણી શી ગતિ?"

સાંભળીને મંત્રી મનમાં મનમાં આ ગૃહિણીને નમી રહ્યો. એણે કુમાશ ધરીને સવિનય પૂછ્યું: “એ કોણ હતો? શું કામ કરે છે?”

“નામ શોભનદેવ. પ્રભુપ્રતિમાઓનો શિલ્પી છે, બરાબર એ જ મોં.”

વસ્તુપાલને એ દિવસો યાદ આવ્યા. જ્યારે પોતે 'વસ્તિગ' હતો ને શિલ્પઘેલા પ્રભુભક્ત મોટાભાઈ લુણિગને વચન દઈ વળાવ્યો હતો. અનુપમા તો તે દિવસ અજાણી યાત્રિકા હતી. તોપણ આવો કુટુંબ-ભાવ ! મંત્રી મનમાં ને મનમાં આ ગૃહદેવીને પૂજતો ઊભો. એણે પૂછ્યું: “ક્યાં ગયો એ? હું શોધાવી લાવું છું.”

એમ કહી એણે માણસો દોડાવ્યાં, પણ શોભનદેવ સલાટનો પત્તો લાગ્યો નહીં. ભાઈ સ્વપ્નમાં દેખાયો? કે પ્રેતલોકથી આવી ઝબકી ગયો? આપેલું વચન યાદ કરાવવા આવ્યો હશે?

અનોપે તે દિવસ ધંધુકાના નાણાવટીને ચોપડે બાએ મુકાવેલી રકમની તપાસ કરાવી. નાણાવટી હિસાબ લઈ હાજર થયો. વ્યાજ સુધ્ધાં રકમ બહુ મોટે આંકડે પહોંચી ગઈ હતી. એ બધા દ્રવ્યનો અનોપે મંત્રીના હસ્તે સ્ફોટ કરાવીને આબુ પર લુણિગભાઈના સ્મારકની વાત વિચારી. શોભનદેવ સલાટની વાટ જોતી જોતી એ બેઠી. રોજ પડતી ભોજન-પંગતમાં સ્વહસ્તે પીરસવા નીકળવું એણે તે દિવસથી કદાપિ છોડ્યું નહીં.

"દેવી!" મંત્રીએ અણવાણે પગે અનોપની પાસે દોટ કાઢતા આવીને ખબર આપ્યા: “વામનસ્થલીમાં તો તારા પતિએ અપૂર્વ ભ્રાતૃધર્મ અને સેવકધર્મ બજાવ્યો, જેતલબાએ રાજ્ઞી ધર્મની અવધિ કરી, ને રાણાએ રંગ રાખ્યો.” સવિસ્તર વૃત્તાંત કહ્યો.