પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
168
ગુજરાતનો જય
 


અનોપે સ્વસ્થ રહીને સર્વ સાંભળ્યું. એની છાતીમાં સંધ્યાકાળના સમીરણે કમ્પતા સરોવર સમી ધડક ઊપડી, પણ એ બોલી ન શકી.

“અનુપમાદેવી” જેઠે બીતેબીતે પૂછુયું, “હવે તો સંઘમાં અગ્રેસરી બનશોને? ધોળકું, પાટણ અને સ્તંભનપુર ઘેલાં બન્યાં છે. રાણો-રાણકી રૈવતાચળ પાસે આપણી રાહ જુએ છે.”

અનુપમાને મોંએ સ્મિત ફરકીને વિરમી ગયું. “બોલો. કેમ નથી બોલતાં?” મંત્રીએ વધુ વિનયથી પૂછયું. “શું બોલું? વારે વારે આડી જીભ વાઈશ તો રોષે ભરાશો, પણ...”

"પણ શું?”

"લુણિગભાઈની છેલ્લી વાંછનાઃ આબુજી પર પ્રભુ-બિમ્બ પધરાવ્યા પહેલાં સૌરાષ્ટ્રનો સંઘ કયા ઉમંગે?"

ફરી વાર વસ્તુપાલ છોભીલો પડ્યો ને એણે કહ્યું: “તમારી વાત ખરી છે. હજારો સાધુ-સાધ્વીઓ ને શ્રાવકો છો ઊછળતાં. હું પહેલી વ્યવસ્થા આબુની કરાવું છું.”

“શોભનદેવની ભાળ જડે તો કેવું સારું ! એને જ હસ્તે પ્રતિમા ઘડાવીએ. એ શત્રુંજય તરફ ગયા છે.”

"હું માણસો દોડાવું છું.”

તેટલામાં તો પાટણથી લવણપ્રસાદ આવી પહોંચ્યા. મંત્રીએ ધોળકામાં એનો વિજયપ્રવેશ કરાવ્યો, ધોળકાનો ઉત્સવ ગગનને ગજાવી ઊઠ્યો.

ઉત્સવમાંથી એકલા પડેલા લવણપ્રસાદે વસ્તુપાલને પોતાની પાસે બેસારી, પોતાનો વૃદ્ધ હાથ એના ખભા પર મૂક્યો. એ હાથમાં વિલક્ષણ ધ્રુજારી હતી. એ કાંઈક કહેવા જતો હતો પણ કહી ન શક્યો.

"બાપુ !” મંત્રીએ કહ્યું, “મૂંઝાઓ છો? શી વેદના ભરી છે હૈયે?”

"છોકરા!" રાણાએ મહાપ્રયત્ને કહ્યું, “અઢારેક વર્ષ પૂર્વેનું એક પ્રભાત યાદ આવે છે? મેં તમને ત્રણ ભાઈઓને – પાટણ ભણવા જતાને – મહેણાં મારેલાં. આજ છાનોમાનો એની ક્ષમા યાચુ છું.” કહેતે કહેતે એણે વસ્તુપાલનો ખભો વધુ જોરથી દબાવ્યો, “ને તને તારી બાએ કહ્યું હશે કે નહીં, પણ મેં, તારા બાપુના એક સ્નેહી તરીકે, તારી માને ને બહેનોને થીગડાં દીધેલ વસ્ત્રે મંડલિકપુરની ભાગોળે તે દિવસ દીઠાં તોય હું ચાલ્યો ગયેલો. પણ બેટા ! હું તે દિવસે આગલી રાતનો અસ્વસ્થ હતો.”

“મારી બાને ને બાપુને આપ ઓળખતા?”