પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકો જેવાં!
169
 


"એ વાત લાંબી છે. તમને તો કોણે કહી હોય? કહું?"

“આજ નહીં, બાપુ, અમે સૌ સપરિવાર ભેળા બેસીને સાંભળીએ તે દિવસ કહેજો.”

“તારી મા... વસ્તુપાલ! તારી માતા સુંદર હતી."

“બાપુ ! ફરી એક વાર કહો. એ કેવી સુંદર હતી?” વસ્તુપાલે આંખો મીંચી દીધી. એ ધ્યાનમગ્ન બન્યો. લવણપ્રસાદની વાણીને એ પીવા લાગ્યો.

“એવી સુંદર હતી ! - કેમ કહીને વર્ણવું? મને લડવૈયાને એવું શીલવંતું રૂપ વર્ણવતાં ન આવડે. એ સુંદર હતી – પેટ અવતાર લેવા જેવી સુંદર. અમે ક્ષત્રિયો સ્ત્રીની સુંદરતાને એ એક જ રીતે વર્ણવી શકીએ.”

જીવનમાં વસ્તુપાલ એક વાર રડ્યો હતો – લુણિગના અંત સમયે. આંસુ એને આવતાં નહીં. પણ માને સુંદર સાંભળી એની આંખોની પાંપણો પટ પટ થઈ રહી. લવણપ્રસાદ પોતાના લલાટ પર હાથ ચોળીને કાંઈક યાદ કરતા કરતા આગળ બોલ્યાઃ “એને મેં દીઠી'તી સૌ પહેલી માલાસણમાં વિધવાને વેશેઃ સાંભળેલું કે એને તમારા સાધુઓ મૂંડવાના હતા...”

"બસ, બાપુ!” વસ્તુપાલની પાંપણો નીતરતી હતી. એમણે લવણપ્રસાદના મોં આડે હાથ દીધો.

“છોકરા!” લવણપ્રસાદે કહ્યું, “કોઈને કહે નહીં તો એક વાત કહું.”

“પવનને ય નહીં કહું બાપુ.” મંત્રીએ નેત્રો લૂછીને કૌતુકભેર કહ્યું.

“મારા વીરધવલની મા આજે હોત તો તમારાં સૌનાં મીઠડાં લેત.”

“બાપુ, તમારે ભલે એ મૂએલાં રહ્યાં. અમારે તો એ મા ઠેકાણે જીવતાં છે.”

"કોણ કહે છે? બેવકૂફ ! તું શું જાણે? ક્યાં છે?”

“ચમકો મા, બાપુ! અહીં સોમેશ્વરદેવની પાસે સિદ્ધેશ્વરમાં જ છે.”

"જૂઠાડા ! કહું છું કે એ મરી ગઈ છે.” લવણપ્રસાદે ડોળા ફાડ્યા.

“જીવતી સ્ત્રી બીજી સર્વ વાતે મરી જાય, બાપુ, પણ મા લેખે અમર છે. એના પુત્રની વીરતા મેં સૌ પહેલી એને કાને સંભળાવી છે, બાપુ. પણ હવે કદાચ એ નહીં આવે. એના જીવનની સિદ્ધિ પૂરી થઈ. એ અત્યારે જ સિદ્ધેશ્વરમાં અંતકાળ છે."

લવણપ્રસાદ બીજી બાજુ જોઈ ગયો. વસ્તુપાલે એના મર્મસ્થલ પર વધુ ઘા કર્યો: “વાર નથી, બાપુ. આજ રાતે તો કદાચ એના શબને અમારાં કાંધ સ્મશાને ઊંચકી જશે.”

"એના દીકરાને − "