પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ખંડ 21
કાષ્ઠપિંજર

ધોળકાનગરનો દક્ષિણાદો દરવાજો ઊઘડવાને હજુ ઘણી વાર હતી. તે છતાં ત્યાં લોકોની ભીડ સમાતી નહોતી. વધુ ને વધુ ટોળાં આવતાં હતાં – કોઈ સીધા ઊંઘમાંથી ઊઠીને, કોઈક લગભગ પાછલી રાતનો ઉજાગરો ખેંચીને, કોઈ કશુંક પર્વ હોય તેવા ભાવે નહાઈ ધોઈને, કોઈક વળી નવાનકોર વસ્ત્રો પહેરી કરીને.

દરવાજો વહેલો ઉઘાડવા માટે કેટલાક તો દરવાનોની ખુશામદ કરતા હતા ને કેટલાક ચિડાતા હતા. દ્વારપાળ ચાવીઓનો ઝૂડો ખખડાવતો ખખડાવતો સૌને ટગાવતો પોતાના સામર્થ્યનું પ્રદર્શન કરતો હતો.

અનેક લોકોના હોઠ પર એક નવીન શબ્દ રમતો હતો – કાષ્ઠપિંજર; કોઈ એક કાષ્ઠપિંજર એ પ્રભાતે ધોળકે આવવાનું હતું. એમાં શું આવનાર હતું તેની કોઈને ખબર નહોતી, પણ સૌ પોતપોતાને ખબર હોય તેવો ડોળ કરતા હતા.

કાષ્ઠપિંજર ! એ શબ્દ પુરાણો ને પરિચિત હતો પણ પોણોસો'ક વર્ષથી એ શબ્દ ગુર્જરીની સ્મૃતિમાંથી લોપાઈ ગયો હતો. કાષ્ઠપિંજરની વાર્તાઓ પણ કહેવાતી બંધ થઈ હતી. 'કાષ્ઠપિંજર' શબ્દ બોલતાં બોલતાં લોકો નવીનતાની નવાઈ સાથે અજાણ્યો એક ભય પણ અનુભવતા હતા. શિયાળો ઊતરી ગયો હતો તે છતાં 'કાષ્ઠપિંજર' શબ્દ બોલતાં કેટલાંક લોકોનાં મોંમાં ડાકલી વાગતી હતી.

દરવાજો ઊઘડ્યો અને જનમેદની એકબીજાથી ધકેલાતી, પડતી ને આખડતી બહાર ધસી ગઈ ત્યારે સૂર્યોદયના તેજમાં મહીકાંઠાની દિશામાં ધૂળની આછી આછી ડમરી વચ્ચે એક વિચિત્ર, ભયની કંપારી પેદા કરે તેવું શકટ (ગાડું) ચાલ્યું આવતું નજરે પડ્યું. શકટની પાછળ તેમ જ બેઉ પડખે અગણિત ભાલાનાં ફળો ચમકવા લાગ્યાં. થોડી વારે તો એ પ્રત્યેક ભાલા ઉપર ફરકતી નાની નાની ધજાઓ પર ચીતરેલો કૂકડો પણ ઓળખાયો. શકટ જેમ જેમ વધુ પાસે આવતું ગયું તેમ તેમ એના ઉપર એક કાષ્ઠપિંજરનું માળખું પણ દેખાતું થયું. એમાં પૂરેલું નવીન પ્રાણી કયું હશે તે વિશે પણ લોકોમાં વાર્તાલાપ ચાલતો હતો. કોઈને ખબર નહોતી કે રાણા વીરધવલનો કયો શિકારશોખ સંતોષવા સેનાપતિ તેજપાલ પંદરેક દિવસ