પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાષ્ઠપિંજર
177
 

છે, ગુર્જરો? વર્ષો પૂર્વેની આ વાત વીસરાય તેવી છે? આજે આપણા મોટા રાણાને એ શ્રમમાંથી ઉગારવા માટે ઘુઘૂલ પોતે જ પધારેલ છે. એ જ સાડી ને એ જ કાજળના શણગાર એમને પોતાને ધારણ કરવાં પડેલ છે."

એમ ચૌટે ચૌટે ફરતી રાજસવારી રાજગઢના ચોકમાં પહોંચી. ગોખે ને ઝરૂખે અંતઃપુરની સ્ત્રીઓની ભીડ જામી હતી. રાણકી જેતલદેની સાથે મંત્રી વસ્તુપાલની બેઉ સ્ત્રીઓ – લલિતાદેવી અને સોખુ – પણ હતી. નહોતાં ફક્ત એક તેજપાલપત્ની અનુપમાદેવી. સોખુનો ઉત્સાહ સૌથી અનેરો, એક કુતૂહલપ્રેમી બાળકના જેવો હતો. એ તો ઘડીક ઊભી થતી હતી ને ઘડીક બેસતી હતી. રાણી જેતલને પણ કોણી મારીને એ ગોખમાં આગળ ધસી ધસી, ડોક લંબાવી આ તમાશો જોવા અધીરાઈ દાખવતી હતી.

“અનુપમા કેમ ન આવ્યાં?” જેતલદેએ પૂછ્યું.

“એ તો દેરે ગયાં છે."

"બે ઘડી મોડાં ન જવાત?”

“ના રે, બા!” લલિતાએ કહ્યું. “સૂર્ય મોડોવહેલો ભલે ઊગે, પણ એની દેવપૂજા મોડી ન પડે.”

"પણ આ તો એના વરનું જ પરાક્રમ છે.”

"પણ અક્કલ તો મારા વરની ને !" સોખુ લહેકો કરતી બોલી ઊઠી.

"હા રે હા, મોટી વરવાળી !” જેતલદેવી હસ્યાં અને લલિતા લજવાઈ નીચે જોઈ ગઈ.

“સોખુ ! ગાંડી!” લલિતાએ સમય પારખીને કહ્યું, “નથી તારા દેરનું પરાક્રમ કે નથી કોઈની અક્કલ કામ લાગી. એ તો મોટા રાણાજીના આશીર્વાદ અને નાના રાણાજીનાં ઊજળાં પુણ્યને પ્રતાપે દેરજી ફાવ્યા."

ત્યાં તો રણભેરી અને નિશાનનો બુબારવ થયો. રાજગઢની સામેના ચોકમાંથી છડીદારનો અવાજ ઊઠ્યો: "ગુર્જરીઓ ! આ ગોધ્રકપુરના ઘુઘૂલરાજ ધોળકે મુજરો કરવા આવ્યા છે."

સ્ત્રીઓએ નીચે નજર નાખી. કાષ્ઠપિંજરના કેદીએ એક વાર ઊંચે જોયું. પછી એણે મોં છુપાવી દીધું.

ચોપદારે ફરી વાર માનવમેદનીને કહ્યું: “બરાબર નિહાળી લેજો, ગુર્જરીઓ! આ ઘુઘૂલના નામથી દેશ થરથર ધ્રૂજતો, છોકરાં છાનાં રહેતાં, ગર્ભિણીઓના ગર્ભ પડી જતા, દૂરથી એ દાનવરૂપ લાગતો. એના નામ સાથે અલૌકિક અલગારી કથાઓ રચાણી હતી."