પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
178
ગુજરાતનો જય
 


“પણ જોઈ લો, છે એનામાં કશી અસામાન્યતા છે એને ચાર હાથ? છે એનાં નાક, કાન કે મોં તમારા કોઈથી જુદાં? એ પણ લોહી ને માંસનું માળખું જ છેને? કેવા નાદાન હતા આપણે, કે એને અવિજેય અને અપરાજિત માની લઈ કલ્પનાને ભયે જ કંપતા હતા! ન ડરો ગુર્જરો ! આઘે આઘેથી સંભળાતી પરાક્રમકથાઓના આડમ્બરે ન અંજાઓ, ન ત્રાસો, ન દબાઓ ! આ તો ડાકુઓ છે – દૂરથી ડર પમાડતા; નજીકથી નિહાળો તો એ પણ ચીંથરાના જ છે."

“આ ઘુઘૂલરાજ જો કેવળ શત્રુ જ હોત, તો તેનું આવું અપમાનકારી પશુપ્રદર્શન આપણા રાણાએ અને સેનાપતિએ કદાપિ ન કર્યું હોત. શત્રુ વીર હોય તો એના પરાજય પછી પણ વીરતાને શોભતો વર્તાવ કરવો એ તો ગુર્જરપતિઓનો ગુણ છે. પણ આ તો નરાધમ છે. ચોરડાકુનાં દળો બાંધીને બેઠેલો ક્ષાત્રધર્મનો દ્રોહી છે. રાજમાતા અને રાજનારીઓ ! એની કોઈ દયા ન ખાજો ને એનો આ મુજરો સ્વીકારજો."

“રાણીવાસનો મુજરો કરો, ઘુઘૂલરાજા” એમ કહેતાં એ સૈનિકે ફરી એક વાર પિંજરમાં ગોટો વળીને બેઠેલા કેદીને ગોદાવ્યો. પણ કેદીએ મોં ઊંચક્યું નહીં. એને વધુ ગોદાવતાં એનું શરીર નીચે પડી ગયું અને એનું મોં નજરે જોનાર સૌની ચીસ ઊઠી: “અરરર!”

એ મોં પર મોતની ભયાનકતા ફરી વળી હતી. એની જીભ અર્ધ કરડાયેલી સ્થિતિમાં બહાર નીકળી પડી હતી. એણે શરમથી જીભ કરડીને આત્મઘાત કર્યો હતો.

“ગુર્જરીના શત્રુના હાલ જુઓ !” એટલું બોલીને મંત્રી વસ્તુપાલે આખી જનમેદની પર દૃષ્ટિ ફેરવી અને પછી સવારી વીખરાઈ ગઈ.

ઘુઘૂલ જેવો ભયાનક શત્રુ આટલી સહેલાઈથી સેનાપતિ તેજપાલને હાથે શી રીતે માત થયો તેનું આશ્ચર્ય શહેરમાં પ્રસરી ગયું હતું. એ આશ્ચર્યને શમાવતા સમાચાર સૈનિકો તરફથી મળવા લાગ્યા. વાત આમ સાવ સાદી દેખાતી પણ વિકટ હતી. વિરાટ યંત્રકામની ચાવી જેમ નાનકડી હોય છે તેમ ગોધ્રકપુરના પરાજય સંબંધ પણ બન્યું હતું. તે દિવસ પોતાના ઉપર આવેલ સાડી અને આંજણની ડબી રાજસભામાં સૌને દેખાડી રાણા લવણપ્રસાદે ઘુઘૂલને પાડવા માટે ફેકેલું બીડું યુવાન તેજપાલે ખાધું હતું તે વખતે ભલભલા ભડવીરોને પણ શરીરે પરસેવો વળી ગયો હતો. તેજપાલ તો તા'માં ને તા'માં ગોધકપુર પર ત્રાટકીને આ પાર ને પેલે પાર કરી નાખવા બેઠો હતો. પણ મોટાભાઈ વસ્તુપાલે જ એને વારી રાખીને વર્ષો સુધી ગોધ્રકના ઘુઘૂલરાજના નાશનું રહસ્ય વિચારી જોયું હતું. તેજપાલને પલે પલે કીડીઓ