પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
2
મહામંત્રીનું ઘર

પોરવાડ-વાડાને આગલે છેડે જે નાનું ડેલું હતું એ મંત્રી બાંધવોનું ઘર હતું. સાંકડી પોળમાં વિજયસવારીનો સમાવેશ નહોતો, એટલે બંને ભાઈઓ પગે ચાલીને જ ઘરને આંગણે આવ્યા. પાછા વળતા લોકો વાતો કરતા હતા કે કારણ તો ગમે તે હો ભાઈ, પણ મંત્રી ને સેનાપતિ રાણાની રોજની માગણી છતાં રાજગઢમાં રહેવા જવાનીયે ના પાડે છે, તેમ બીજી કોઈ પહોળી જગ્યાનાં મકાન કરવાની પણ અનિચ્છા સેવે છે. કોઈ પૂછતું તો મંત્રી ભાઈઓ કહેતા કે રાજગઢ તો આજ છે ને કાલે ન હોય. અને આ તો ભાઈઓની ભીંસ છે, એનાથી ન શરમાઈએ. આજની મોટાઈ એ તો વંટોળિયે ચડેલી માટી છે. કાલે વંટોળિયો વહ્યો જાય એટલે માટીએ તો પૃથ્વી પર જ પડવાનું છે ના ! કોઈ વળી એમ પણ માનતાં-મનાવતાં કે બેઉ જણ પાકા કાળજાના છે, લૂંટી-ઘૂંટીને ઘરમાં છૂપો માલ ભરવો હોય ખરોને !

નાના ડેલાની એક બાજુ પચીસેક લેખકો (ગુમાસ્તાઓ) ને વાણોતરો સમાય તેટલી પહોળી જગ્યા હતી. ત્યાં આખો દિવસ પત્રો પર લેખણો ચાલતી, હૂંડીઓ લખાતી, દ્રવ્યો ગણાતાં, સોનારૂપાં લેવાતાં ને વેચાતાં. સૌની વચ્ચે ગાદી ઉપર એક તેરેક વર્ષનો બાળક બેસતો તે અઢારેક વર્ષનો લાગે તેવી એની ભરાવદાર દેહકાઠી તેમ જ ગરવાઈ હતી. વાણોતરો પ્રત્યેક કામ બાબત એને પૂછતા, એની સંમતિ લેતા, પણ બાળક એ સૌની પાસેથી શીખતો હોય તેવી અદાથી બોલતો ને સમજવા યત્ન કરતો. એ તેજપાલના મુદ્રાવ્યાપારની જૂની શરાફી પેઢી પર બેસી ગયેલો તેનો એકનો એક પુત્ર લૂણસી હતો.

તે દિવસ પોતાના પિતાના વિજયપ્રવેશનો હતો તે છતાં આ બાળકના મોં પર ઉદ્વેગ હતો. બહુ મોટી પણ નહીં ને બહુ નાની નહીં એવી એની આંખોમાં કોઈ આવેશની લાલી હતી ને એ લાલાશ પર વારંવાર આંસુનાં જાળાં બંધાતાં ને વીખરાતાં હતાં. તેની પાસે ચિઠ્ઠીઓ લઈ લઈને કનિષ્ઠ જાચકોથી માંડી મહાન કાવ્યવેત્તાઓ તે દિવસે આવતા હતા ને ચિઠ્ઠીમાં માંડેલ આંકડા મુજબ એ પ્રત્યેકને પોતે રકમો ચૂકવતો હતો. તે દિવસની રાજસભામાં પોતાના પિતાને તેમ જ