પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
182
ગુજરાતનો જય
 

મોટાબાપુને બિરદાવનારા કવિઓને મોટાબાપુએ જે ઈનામો આપ્યાં હતાં તેની આ ચુકવણી હતી.

ડેલું, ડેલા પરની મેડી અને આ પેઢી, ત્રણેય સાંકડાં હતાં. પણ અંદર જનારને એ ઘરનું ચોગાન વધુ ને વધુ વિશાળ થતું દેખાતું હતું. એ ઘરની પકતાણ બધી પાછળના વંડામાં હતી, ને ત્યાં પચાસેક હથિયારધારી સૈનિકોનું એક જૂથ રહેતું. તેમ જ એ પરસાળમાં સોએક બ્રાહ્મણો બેઠા બેઠા વેદની ઋચાઓ ગાતા હતા. શ્રાવકોના શ્રેષ્ઠ એવા આ ખોરડાને વિપ્રોના શાસ્ત્રનાદથી ગુંજતું સાંભળી પહેલાં તો જૈન શ્રમણો કચવાતા હતા, પણ મંત્રી બંધુઓએ તેમને કશું કોઠું ન આપવાથી હવે સૂરિઓ-યતિઓ ચૂપ થયા હતા.

વિજયપ્રવેશ પતી ગયા પછી એ ઘરમાં એક કિશોરકન્યા દાખલ થઈ અને તેણે વારંવાર પેઢી પર જઈને લૂણસીને ઘરમાં આવવા કહ્યું. ચિઠ્ઠીઓની ચુકાત પતાવીને લૂણસી અંદર આવ્યો ત્યારે એ કિશોરી એની સામે તાકતી ઊભી. એ હતી રાજગુરુ સોમેશ્વરદેવની પુત્રી રેવતી. એણે લૂણસીને પૂછ્યું: “જોઉં, કઈ આંગળી મરડી વીરમદેવે?”

“ના રે, કંઈ જ નથી.” એમ કહી લૂણસીએ પોતાના હાથને પીઠ પાછળ ખેંચી લીધા.

"રાણાનો પાટવી કુંવર રહ્યો એટલે શું થઈ ગયું?" રેવતીએ લૂણસીની સામે જોઈને ક્રોધ દર્શાવ્યોઃ “તારો શો વાંક હતો તે વીરમદેવે ધમકી દીધી?”

"ચૂપ રહે, રેવતી !" લૂણસીએ પોતાની સાથે સિદ્ધેશ્વર મહાદેવમાં સોમેશ્વરદેવ પાસે ભણતી આ બહેનપણીને વારીઃ “તું કંઈ જ રાડબૂમ કરે તો તને મારા સમ છે. કાકાબાપુ કે બાપુ, ગુરુજી કે રાણા જો જાણશે તો આજના રંગમાં ભંગ પડશે.”

“નહીં કહું કોઈને. પણ તને તેણે કહ્યું શું તે તો કહે!”

“તું આવી મોટી ફરિયાદ સાંભળનારી!”

“કહેતો હોય તો કહે, નહીં તો હું ઘર ગજાવી મૂકીશ.”

"કહ્યું કે આજ તો લૂંટની મતા ભલે ભેળી કરો, હું રાણો થઈશ ત્યારે બધું જ પાછું એકાવીશ.”

"હં-હં– અત્યારથી” એમ બોલતી રેવતીની આંખો ચકળવકળ થવા લાગી, “બીજું?”

“બીજું એ કે, રાણાજીનું મન નહોતું તોપણ ઘુઘૂલનું પાંજરું શહેરમાં ફેરવ્યું, એટલી બધી શું તારા બાપની પતરાજી!”

"કેટલા બધા ફાટી ગયા છે વીરમદેવ? મોટા થશે ત્યારે શું નહીં કરે ?”