પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
188
ગુજરાતનો જય
 

તો હું એક સ્ત્રી ઊઠીને કહું તે ન શોભે! પણ આ તો આપણા લૂણસી અને આપણા જેતસી[૧]ના ભલા માટે કહેવાઈ જાય છે. દાન રાજા કરે છે તેમ ઘટ-સર્પ પણ રાજા જ ફરમાવે છેના!”

એમ કહીને અનુપમા ચૂપ બેઠી.

“વારુ!” વસ્તુપાલે કહ્યું, “લૂણસી ! દ્રવ્ય બધું ઉતરાવી લે ને જુદે જ ઠેકાણે મુકાવ, અને હવે આપણે આ આખી વાતનો બંધ આજ ને આજ વાળી દઈએ. કહો, પેઢીનું દ્રવ્ય જુદું તારવી લઈએ. રાજલક્ષ્મીનો એક દ્રમ્પ પણ એમાં ભળેલો ન રહેવો જોઈએ. તે સિવાયની શ્રીકરણ (મંત્રીપદ) સ્વીકાર્યા પછી આજ સુધીની રાજ તરફની ઈનામની લક્ષ્મીને જુદી તારવીએ.”

"હા, અને એમાંથી આપ અને અનુપમાના દાનપ્રવાહ હજુ વિશેષ જોરથી વહેતા રાખો, મોકળે હાથે આપો, ધોળકાને વિદ્યાનું પરમ ધામ બનાવો, મોટાભાઈ!” તેજપાલે કહ્યું.

અનુપમાથી હસાઈ ગયું. તે દેખી તેજપાલ જરીક ગરમ થયા. વસ્તુપાલે એને વાર્યો: “તેજલ ! આ શું? બોલો અનુપમા, કેમ હસ્યાં?”

“એ તો એમ કે, દાન કરીએ આપણે, દ્રવ્ય વાપરીએ પારકાનું એ કીર્તિ કેટલા દિવસ?”

"તો પછી?"

“વિદ્યાદાન તો આપ વિદ્યાના પ્રેમી છો તેથી કરો છો ને અન્નવસ્ત્રનું દાન તો હું મારા અને સ્વજનોના શ્રેયાર્થે કરું છું. એ કરવામાં તો દ્રમ્મદ્રમ આપણી જ કમાઈનો હોય.”

“પણ તું કંઈ રસ્તો બતાવશે કે નહીં?” તેજપાલ ચિડાયો.

“મને તો એક રસ્તો સૂઝે છે." અનુપમાનો ચહેરો પ્રકાશી ઊઠ્યો, “રાજ્યે અર્પેલી લક્ષ્મી અક્ષય રહે, જગત આખું એને જુગજુગો સુધી જોઈ રહે, જોઈ જોઈને આનંદ પામે, પ્રભુને ને પુન્યને ઉપાસી રહે, તે છતાં એક દ્રમ પણ એમાંથી કોઈ અપહરી ન શકે.”

“એવું બની શકે?

“હા, ગિરિશિખરો પર અને તળેટીઓમાં, વનોમાં ને નગરોમાં પ્રભુપ્રાસાદો ને ચૈત્યો ચણાવો, ઉપર સોનાના ધ્વજો, સ્તંભો ને સુવર્ણકળશો ચડાવો, આંહીં આટલું દ્રવ્ય ઠાલવ્યું છે એવી પ્રશસ્તિના શિલાલેખો કોતરાવો, સહુ વાંચશે, કોઈ નહીં લઈ જઈ શકે.”


  1. વસ્તુપાલનો પુત્ર