પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
192
ગુજરાતનો જય
 

જે આંખો ઘુમાવેલી તે યાદ આવી, તે સાથે જ એને એક પછી એક અંકોડાબંધ પ્રસંગો યાદ આવ્યા. મહેલમાં મંત્રીનો એ એક જ બોલ અનેક વખત બોલાઈ બોલાઈને જાણે કે ભીંતોમાં પોલાણો પાડીને બેઠો હતો, એ એક જ મંત્રીબોલની જાણે કે મહેલમાં ડાકલી બજતી હતી −

“ના, બા, ના. એમ તે કંઈ બને ! કદાપિ ન બને ! પછી તો આપની મરજી!”

“ના, રાણાજી, ના ! એમ કદી નહીં જ બની શકે. પછી તો ધણી છો, જેવી મરજી”

બસ, આના આ જ બોલ નાનીમોટી હરેક બાબતમાં બા અને બાપુને વસ્તુપાલે કહેલા, તેનો કાયમી પડઘો ત્યાં બંધાઈ ગયેલો.

વીરમદેવના કાન સમજણા નહોતા થયા તે દિવસનો આ શબ્દોનો રણકો એણે સેંકડો વાર ઝીલ્યો હતો. બાને ને બાપુને એણે પહેલાં હઠ પકડીને રુઆબ છાંટતાં દીઠેલાં, પછી મંત્રી કંઈ સલાહ આપે તેને કોચવાતે ચહેરે સાંભળતાં દીઠેલાં, પછી છેવટે “આ નહીં બને” અથવા “એ તો એમ જ બનશે? એવા બોલ પર વિચાર કરતાં દીઠેલાં. ને પછી બા-બાપુને એમ કબૂલ કરતાં દીઠેલાં કે 'હા, તો તો પછી મંત્રી કહે છે તે જ ઠીક છે'.

એ સંસ્કારમાં ઊછરેલું વીરમદેવનું બાળહૃદય રેવતીએ સંભળાવેલા શબ્દોનો ભય અનુભવી રહ્યું. એનું ચિત્ત ચકડોળે ચડ્યું. રાજા નથી થવું એમ કહું છું તો પરાણે થવું પડશે એમ કહે છે. રાજા થવું છે, તો કહે છે કે અમારી ઇચ્છાને જ આધીન રહેવું પડશે.

નૂપુરના રુમઝુમટ કરતી રેવતીએ ઘરમાં દોડી જઈ પિતાને કહ્યું અને પિતા કાંઈ પૂછે તે પહેલાં તો એ પાછી આવીને એની બા પાસે દોડી ગઈ, કહે કે “બા, બાપુને બહાર જવા દેશો મા. વીરમદેવ આવેલ છે, ઉઘાડી તલવારે, બાપુને મારી નાખવા.” પછી પોતાના ઘરનો પાછલો વાડો વટાવીને એ પોરવાડવાડામાં મંત્રીને ઘેર પહોંચી અનુપમાને કહેઃ “માશીબા ! ઓ માશીબા ! ચાલો તો ખરાં, કુંવર વીરમદેવ અમને મારી નાખવા આવ્યા છે.”

વધુ પ્રશ્નો સાંભળવાની વાટ પણ જોયા વગર એ પાછી દોડી આવી. એનું ટીખળપ્રેમી મન કંઈક નવાજૂની થશે એ આશાએ થડક થડક કરતું હરખાતું હતું.

અહીં ઘરમાં રેવતીના શબ્દોએ સોમેશ્વરદેવના અદોદળા શરીરવાળાં ભટાણીને પાટ પરથી ઉઠાડ્યાં. માંદણ (કાદવભર્યા ખાબોચિયે) પડેલી ભેંસ ઊંટ દેખીને બહાર નાસે તેમ રેવતીની બા પતિ પાસે દોડ્યાં. ગુરુ સોમેશ્વરદેવ ચાખડી પહેરતા હતા, રેવતીની બા આડા ફર્યા, “નહીં જ જવા દઉં, એ તો તમને ઘા કરી