પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વૈર અને વાત્સલ્ય
7
 

શબ્દો સાંભળવાનું અસહ્ય હતું, મારવા આવેલો કળીએ કળીએ કપાતો હતો, ખડગ ખેંચનારની રગો ખેંચાતી હતી. કોઠી પાછળથી બહાર જવાની જગ્યા નહોતી. ધરતી જે દિવસ મારગ દેતી તે યુગો પર તો ભૂકંપો ફરી વળ્યા હતા. ભુજા અને ખડગ, બેઉ લજવાતાં હતાં.

'ઓ શંભુ!' કોઠી પાછળનો અંધકાર પણ બફાઈ જાય એવી વેદના-વરાળ એ છુપાયેલા પુરુષનું હૈયું ભરી રહી. 'કોઠી પાછળ મને ધકેલ્યા પછી આવી કારમી કસોટી? મને આ પુરુષને હાથે ઉઘાડા મેદાનમાં જુદ્ધનું મોત કાં ન દીધું? મને અત્યારે પકડીને એ ઠાર મારે ને મારાં શોણિતમાં આ સ્ત્રી સ્નાન કરે તે જ શું ભલેરું નહોતું! મને આવી સાંપટમાં લીધો, નાથ ! મારા હાથ ને હૈયું બેયને બાંધી લીધાં, ધૂર્જટિ! તેં પીધેલા હળાહળનો જ શું આ છાંટો ચખાડ્યો મને, હે પિનાકપાણિ!

કદી ન રડેલી એ બે ખૂનખાર આંખોને પાંપણપડદે ડબ, ડબ, બે આંસુ તોળાયાં, એ બેને ઠેલતો પ્રવાહ પાછળથી જોશ કરી રહ્યો: ટ...પ, ટ...પ, ટ...પ,: આંસુનાં નીર એના ચહેરાના પહોળા પટ પર ખોદાયેલી ખાઈઓ જેવા જખમોના ખાડાટેકરામાં થઈને નીચે માર્ગ કરવા લાગ્યાં.

-ને સ્ત્રી તો હજુય પરપુરુષની સામે બેઠી બેઠી કહેતી હતી: "એ વાતને શીદ યાદ કરો છો છેક અટાણે? રુદાના રાફડા ઉખેળીને શું ભોરિંગને છંછેડવા છે, હેં પુરુષ ! પીધેલાં વખ તો પચાવ્યે જ છૂટકો છે."

"બરાબર છે."

"તો એક વાર માળા ફેરવી લ્યો, ત્યાં હું તેડી આવું છું વીરુને, ને હવે તો કોઈ દા'ડો વાળુટાણે એને ખસવા જ ન દઉં ને ! માથે કાંઈ કરી છે ને આજ તો !"

એમ કહેતી કહેતી હાથમાંનું તાંસળું ધણીના બાજઠ પર મૂકીને પાડોશીના ફળીમાં "વીરુ ! વીરુ, એ વીરુ !" એટલા સાદ કરતી બાઈ બહાર ચાલી ગઈ. અને ઘરનો ધણી પોતાના એક હાથમાં માળા ફેરવતો ને બીજા હાથના નખ વતી તાંસળા પર તાલબંધ ટકોરા મારતો બેસી રહ્યો. એની ગરદન નીચે વળી ગઈ.

ભમતી ભમતી એની આંખો ભીંત ઉપર ફરી, કોઠીની બાજુ વળી, અને એકાએક કોઠી ઉપર પડછાયો પડ્યો. છુપાયેલો પુરુષ સળવળ્યો હતો. એ સળવળાટે દેવરાજને ચમકાવ્યો. એની આંખો ઊંચી ગઈ, "ઓય બાપ!" એવો એક ઓહકાર એના ફાટેલા ડાચામાંથી નીકળી પડ્યો. એણે એ તલવાર લઈ ઊભેલા કદાવર આદમીની એકાકી ભૈરવ-આકૃતિ ભાળી.

"બીશો મા હવે. ને બોકાસો પણ કરશો મા, પટ્ટકિલ!" આકૃતિએ બહાર