પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જાસુસી
197
 


"કેમ નિપુણક, દેવગિરિમાં તું કેટલું રહ્યો?”

"બે વર્ષ થઈ ગયાં.”

"શા ખબર છે?”

“સિંઘણદેવ સળવળે છે. પણ તેડાની વાટ જુએ છે.”

"કોની, લાટના સંગ્રામસિંહની ને?"

"એમની એકની જ નહીં, માલવરાજ દેવપાલની પણ.”

"બેઉ થઈને સિંઘણને ક્યારે તેડી લાવે છે?"

“હમણાં તો તૈયારીઓ ચાલે છે. આપણી હિલચાલના આંતરિક ખબર મેળવવા મથે છે.”

"કોઈ આવ્યો છે આ બાજુ?”

"હા જી, એનું નામ સુચરિત છે. સાથે એક સ્ત્રી પણ છે.”

“ઠીક, તું સ્ત્રીથી ચેતતો રહેજે. ને એ મળે તો એને ભોળવીને આપણો સંઘ નીકળનાર છે તેમાં શામિલ કરી દેજે એટલે બાપડો આપણી હિલચાલ ઝીણવટથી જોઈ શકે."

"એને હું મળ્યો છું, પ્રભુ ! ને એની જ પાછળ છું.”

"ઠીક જા,” એટલું ઝીણે સ્વરે બોલીને પછી એણે દમદાટી દેતા હોય એવા તપેલા સ્વરે બરાડ્યું: “તમે શીદ ચીથરાં ફાડો છો, પંડિત ! આ પોથાં સાવ બનાવટી છે. આ તો લઈ જાઓ દેવગિરિના જાદવ સિંઘણદેવ પાસે, એને વિદ્વાન ગણાવાના જબરા કોડ છે તે જઈને પૂરો. ધોળકા તો હવે તમારા જેવા માટે નાનું ગણાય.”

એકલા પડ્યાં પડ્યાં એણે તે પછી બાકીના ગુપ્તચરોને યાદ કરી જોયા. લાટમાં સંગ્રામસિંહની, ચંદ્રાવતીમાં આબુરાજ સોમ પરમારની, ને મેવાડમાં જયંતસિંહની હિલચાલો તપાસવા મોકલેલા એ જાસૂસો હજુ ફરક્યા નહોતા. આ જાસૂસીની એણે પાથરેલી જાળમાંથી પાટણ પણ મુક્ત નહોતું. ધોળકાના દ્વેષીઓ પાટણમાં નવરા નહોતા બેઠા. રાણા લવણપ્રસાદના ભોળપણનો પણ એને ડર હતો. ગુપ્તચરોની આ ગોઠવણ એણે પોતાના રાણાથી, ખુદ સેનાપતિ તેજપાલથી પણ છૂપી રાખી હતી. એનાં નામોની નોંધ પણ પોતે પોતાના કલેજા સિવાય ક્યાંય ટપકાવી નહોતી. જાસૂસો પૈકીનો કોઈ કવિ બન્યો હતો, કોઈક ફકીર થઈ ગયેલો જાહેર થઈ ગયો હતો, કોઈક વિદેશ ગયેલો વેપારી હતો, કોઈક વૈરાગી બની ચાલ્યો ગયેલો ખેડૂત હતો. એ સૌનાં જુદે જુદે સ્થળે વેરાયેલાં કુટુંબોને વિપત્તિમાન ગણાવીને પોતે ઉઘાડી રીતે ભરણપોષણની જિવાઈ મોકલી દેતો. કેટલાક ગુપ્તચરો તો ફક્કડ જ હતા.