પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
198
ગુજરાતનો જય
 


મોડી રાતે પોતે સૂક્તિઓને સુભાષિતો રચતો સૂતો. રાજપ્રપંચની મલિનતામાં ખરડાયા પછી એનો આત્મા ઉચ્ચ કવિતાના સરોવરમાં સ્નાન કરતો હતો. તે રાત્રિએ એણે રચ્યું –::

नृपव्यापारपापेभ्यः सुकृतं स्वीकृतं न यैः ।
तान्धूलिधावकेम्योडपि मन्येडधमतरान्नरान् ।

[રાજાની સેવાનાં પાતકો કરતાં કરતાં પાછું વાળી જોઈને જેમણે કંઈ સુકૃત્ય ન કર્યાં તેવાઓને તો હું ધૂડધોયા કરતાંય અધમ લેખું છું.]

લખીને એણે પોથીને દોરી વીંટાળી. તેટલામાં તો ઉત્સવમાંથી પરિવાર પાછો વળ્યો. ગૃહની હવામાં ઝંકાર બોલ્યા. લલિતાદેવી અને સોખુનાં પગલાં ગુંજ્યાં. રાજપ્રપંચના પોટકાને માથા પરથી ફગાવી દઈ વસ્તુપાલ હળવોફૂલ રસાત્મા બની ગયો. થોડી ઘડીના વિનોદ પછી લલિતા પોતાના ખંડમાં ચાલી ગઈ. પોતાને ગોદમાં ખેંચતા મંત્રીને સોખુએ દૂર હટાવીને કહ્યું: “ભૂંડા લાગો છો. પહેલાં મારી બહેન: પાસે જઈને થોડું બેસી આવો.”

“હવે રાખ રાખ, એ તો આઠ વર્ષના જયંતની જનેતા બની.”

“માટે જ એને ન વિસારો.”

પોતાને પરમ બુદ્ધિમાન સમજતો, ઘડી પહેલાં કાવ્યનાં સરવરોમાં વિહાર કરતો, અને તેની પણ પહેલાં ચારે દિશાના મુલકોને પોતાની હથેળીમાં રાખી રજેરજ હિલચાલ તપાસતો વસ્તુપાલ નાની-શી નાજુક નારી આગળ ભોંઠો પડી ગયો. એને ભાન થયું કે ગુર્જર સામ્રાજ્યનાં તૂટેલાં ચોસલાં ફરી ચડાવતાં ચડાવતાં એ ઘરની બૈરીઓનાં મનોરાજ્યની શાસનવ્યવસ્થાને ચૂકી રહ્યો છે. એ આંતર્મુખ બન્યો. એનો હાથ પકડીને સોખુ એને લલિતાદેવીના દ્વાર આગળ દોરી જઈ અંદર ધકેલી આવી.

*

ખંભાત જવાને માટે વસ્તુપાલ સજ્જ થયા ત્યારે પાછી અનુપમા આવીને ઊભી રહી. એણે કહ્યું: “હું ચંદ્રાવતી જઈ આવું?”

"કેમ તેજલે કાંઈ કંકાસ માંડ્યો છે કે શું? અત્યારે પિયર જવાની ઈચ્છા કેમ થાય છે?”

“ના, મોટાભાઈ” તેજપાલે આવીને ખુલાસો કર્યો, “મારી પણ એ જાય એમાં સંમતિ છે.”

“હા, તને થતું હશે કે જે થોડા દા'ડા છૂટ્યો.”

પતિ પત્ની બેઉને સતત એ સરત હતી કે મોટાભાઈએ આવો વિનોદ ચાલુ રાખી રાખીને બેઉ વચ્ચેના દાંપત્યને રસભીનું રાખ્યું હતું.