પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
202
ગુજરાતનો જય
 

મારી આંખમાં બહુ ઠરી છે.”

“કેવડીક છે?”

“વીસ કહે છે, પણ હાડેતી છે, ગજું પણ પૂરું છે.”

"ઘેલી ! આ તે તું ભાનમાં બોલે છે કે ભાંગ પીધી છે? ચૌદ વરસના ભાણા લૂણસીને માટે વીસ વર્ષનો ઢગો...”

“તું સમજી નહીં, બા!”

“પણ શું સમજવું ત્યારે?” .

“હું તો એમ કહું છું, કે તારા જમાઈને માટે..."

"તેજપાળ ઠક્કુરની વાત કર છ?”

“ત્યારે તારે કેટલાક જમાઈ છે?”

“એટલે !! તે આ શું ધાર્યું છે?”

"બા, હું તારી પુત્રી, ચંદ્રાવતી જેવા નગરની દીકરી, કંઈ ચસકી ગઈ નથી હો કે!”

“એટલે શું જમાઈ જેમ જેમ જગવિખ્યાત થાતા જાય છે તેમ તેમ કુબુદ્ધિ પણ...”

"બા, તને અચલેશ્વર પ્રભુની આણ છે – જો કંઈ વધુઘટુ બોલી છે તો!”

“તો કહે ફોડ પાડીને.”

"બા, મેં જ એમને આ સ્થિતિમાં મૂક્યા છે.”

“એટલે? તું શું એની પાસે જતી જ નથી? કેટલાક વખતથી?”

"લૂણસી આવ્યો ત્યારથી.”

“ચૌદ વર્ષથી? મારા બાપ ! તે શું કાંઈ રોગ છે તને?”

“શરીરનો નહીં, પણ મનનો ખરો.”

"શું !”

“બસ ! જીવવું થોડું ને જંજાળ કેટલી કરવી ! લૂણસીને અર્બુદા મા ક્ષેમકુશળ રાખે ! એ એકે મને સંતોષ છે.”

“તારો તે સંતોષ કાંઈ !” એમ બોલતી માતા અનુપમાના શરીર પર, નખની કણીઓ ને નેત્રોના ખૂણેખૂણાનીય જાણે કે ઝડતી લેતી હતી.

એ નેત્રો સ્ફટિક-શાં નિર્મળ હતાં. પોપચાં પર અને પાંપણો નીચે કૌમારવયની દ્યુતિ રમતી હતી. રાજસ્થાની પોશાકના મરોડદાર ઘેર નીચેથી દેખાતા બે પગ અને તેની પડખોપડખ મંડાયેલા અનુપમાના બે હાથ, એમ એકઠાં મળીને ગોઠવાયેલાં વીસેય આંગળાંના નખ કેમ જાણે માણેક મઢ્યાં હોય તેવાં લળક લળક થઈને પાણી