પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અનુપમા ચંદ્રાવતીમાં
203
 

દાખવતાં હતાં. એ લળકાટ તનની નીરોગિતા ને મનની પ્રતિભાના કુશળ સમાચાર દેતા હતા. માએ ખાતરી કરી લીધી.

“હં – હં–તો તો પછી દીક્ષા જ લઈ લેને, બાઈ !" માએ મચકો કરીને કહ્યું.

"દીક્ષા શા સારુ લઉં, બા? સંસારમાં શું દુઃખ છે? કેટલો આનંદ છે. કેટલાં કામ કરવાનાં પડ્યાં છે!” એમ બોલતાં અનુપમાની આંખો સ્વપ્નભરી બની. સોસો સોણલાં જાણે સમાતાં નહોતાં નેત્રોમાં. ઝલકાતી હેલ્ય જેવી એ આંખો બની ગઈ.

“શોક્યના કોડવાળી ન જોઈ હોય તો ! તેજપાલ કહે છે?”

“એના કહેવાની વાટ શીદ જોવી? એ ન કહે તોય એની દશાનો વિચાર તો મારે કરવો રહેને? એ ન કહે એટલે જ આપણને દયા આવે, બા ! એનો બાપડાનો વાંક શો? તેર વર્ષ એણે ખેંચ્યાં, બા ! એ તો એ જ ખેંચે. મને કદી, એક ઘડી પણ કનડી નથી, મોં પણ બગાડ્યું નથી.”

“ઘરમાં કોઈ જાણે છે ?”

“કોઈ કરતાં કોઈ નહીં.”

“દીકરી ! દીકરી !" માનું હૃદય ચકડોળે ચડી ગયું, “મને તો કાંઈ સૂઝ પડતી નથી.”

“સૂઝ બીજી કાંઈ નહીં પડે, બા ! સુહડાને તું એક વાર જોઈને સંમતિ દે. એ લોકો પહેલી રજા તારી ને મારા બાપુની માગે છે.”

“ને એ છોકરી ?”

“એનું મન પણ મેં ઉકેલી લીધું છે.”

“તારો નિશ્ચય નહીં ફરે?”

"શાસનદેવની કૃપા હશે ત્યાં સુધી તો નહીં ફરે. શા સારુ ફરે? મારી પાંતીની કશી જ વિમાસણ ન કરીશ, બા ! મારું મન તો ભર્યું ભર્યું જ છે. મેં તને એક વાત કહી દીધીને, કે વાંક કોઈનો નથી, પુરુષનો તો બિલકુલ નથી. વાંક મારો પણ નથી. હું પોતે જ બા, કોઈક અદૃશ્ય શક્તિના ઓઘમાં ઊછળી રહી છું. મને તો કપર્દીદેવના સાદ સંભળાય છે, બા ! તને ખબર નથી, પણ ચપટીકવારનું આ આયુષ્ય, આ બધું જ ક્ષણભંગુર, બધું જ પાણીના પરપોટા સમું, એની વચ્ચે ગુર્જર દેશ.... એના આટલા શત્રુઓ... એની ધરતી પોકારે છે, બા...!”

"તુંબડીમાં કાંકરા !” તિહુઅણદેવી કંટાળ્યાં.

કાં તો અનુપમાને પોતાને જે મનોમંથન થઈ રહ્યું હતું તે કહેતાં આવડતું નહોતું, ને કાં તો પોતે વાણીનું વાહન વિફલ માનતી હતી. તિહુઅણદેવીને તો આ