પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહિયરની લાજ
209
 

તમારામાંના કોઈકનું પણ જે દિવસે ધોળકામાં અપમાન થશે તે દિવસે હું ઉઘાડી, પડી જઈશ.”

"આપણે નથી છોડવું ચંદ્રાવતી.” એક યુવાન આઘે ઊભો ઊભો હાક મારી ઊઠ્યો. “નથી જવું.” બીજાએ કહ્યું, “ગમે તે થાય, નથી જવું.” ત્રીજાએ કહ્યું, “વડીલો ને વૃદ્ધો છો જતા.” ચોથો બોલ્યો.

“અમારે ક્યાં જવું હતું?” વૃદ્ધોમાંના એકે કહ્યું, “અમે તો તમારી, જુવાનોની ખાતર વિચાર કરતા હતા.”

"જ્યાં મહામંડલેશ્વર ત્યાં આપણે,” બીજા બુઢ્ઢાએ ડગમગ થતી ડોક ઘુમાવીને સંભળાવ્યું, “હવે આપણે ધોળાંમાં ધૂળ નથી નાખવી.”

“હું તમને શરમાવવા નથી આવી.” અનુપમા બોલી, “ને હું તો ભાળું છું –” એમ કહેતાં કહેતાં એણે ઉત્તરાપથના આઘેરા સીમાડામાં દૃષ્ટિ ખુંતાડી – “કે અહીં છેલ્લી કસોટી કારમી આવશે. ઇચ્છા હોય તો ઘરેણાંગાંઠ ને માલમિલકત સાથે બૈરાંછોકરાંને ખેસવી કાઢજો.”

“એક પણ એવો બાયલો ચંદ્રાવતીમાં નહીં હોય, બહેન.” એક તરુણે તીખા સ્વરે જવાબ દીધો, “બોલો ભાઈઓ, કોઈને ચંદ્રાવતી છોડવાનું એની બાયડીએ કહ્યું છે?”

"ના, ના, ના," ઘણા અવાજો સામટા ઊઠ્યા, “અમારે ઘેર જઈને એવું પૂછવું નથી. બૈરીઓનાં નામો આગળ કરીને અમારે બેવડા હિચકારા બનવું નથી. આ છોકરાંને વારસામાં બાયલાપણું સોંપી જવું નથી.”

"બસ ત્યારે, મારા જેઠજીને હું જઈ વધામણી આપીશ કે મારું મહિયર બિચારું નથી.”

કહેતે કહેતે અનુપમાએ ગર્વભેર સન્મુખ જોયું. સર્વ મહાજન-ચહેરા કાંતિમય બન્યા હતા. વૃદ્ધોએ પાસે આવી આવીને અનુપમાના મસ્તક પર હાથ મૂક્યા. પોતે પણ પ્રત્યેકના ઘરનાં બૈરાંછોકરાંના કુશળ પૂછ્યા; અને વ્યક્તિગત વાતચીતમાં એણે ચંદ્રાવતી છોડવાની ઉગ્ર વાતનો ઉલ્લેખ સરખો પણ કર્યો નહીં. સભા વીખરાઈ ત્યારે પોતાના વિજયથી પોતે જ શરમાતી હોય તેમ તે નીચું મોં રાખી ચાલી ગઈ.