પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
8
પરમાર બાંધવો

બુ ઉપર તો નાનપણમાં અનુપમા અનેક વાર ચડેલી, પણ તે દિવસનું ચડવું જુદું હતું. ચડતી ગઈ તેમ તેમ આબુ એને ગુર્જર દેશનો ગરવો ચોકીદાર લાગતો ગયો. દેલવાડે પહોંચી. વિમલવસહિકાના વિશાળ દેરાની પૂતળીઓમાં રાચતું એ બાળપણનું રમતિયાળ મન તે વેળા બીજા જ એક મનને માટે સ્થાન ખાલી કરી ગયું હતું. આ વિમલના દેરાની અંદર એકાદ નાનકડી કુલિકાદેરીમાં એક જ પ્રભુબિમ્બ પધરાવવાની ઝંખના સંઘરીને એક કુમાર અણહિલવાડની પાઠશાળામાં પ્રાણ ત્યાગી ગયેલો, તેની પોતે પ્રત્યક્ષ સાક્ષી હતી. દેરાની અનુપમ શોભા, અગર-ચંદનની સુગંધ, પ્રભુની પ્રતિમાઓ, કશામાં તેનું ધ્યાન વસ્યું નહીં. એકાકી ઊભેલ વિમલવસહીના પ્રભુપ્રાસાદની પડખે એણે જમીન ખાલી જોઈ. એનું અંતર એ જમીનના ટુકડા પર ઠર્યું. એણે પોતાની સાથે આવેલા ચંદ્રાવતીના મહાજનોને પૂછી પણ જોયું: “આ જમીન કોની છે ?”

“ગૌગ્ગલિક બ્રાહ્મણોની.”

"વેચો ખરા?” એણે બ્રાહ્મણોને પૂછ્યું.

"શાને ન વેચીએ? પણ તમે નહીં રાખી શકો.”

“શો ભાવ છે?”

“પૂછી આવો વિમલશાના વંશજોને. એણે જેટલાવામાં સુવર્ણદ્રમ્મપાથર્યા તેટલી ભૂમિ મળી.”

"કેટલા પાથર્યા?”

“અઢાર કોટિ ને ત્રેપન લાખ !”

અવાક બનીને અનુપમા અચળગઢ તરફ ચાલી. એટલી બધી સંપત્તિ ક્યાં હતી? ઉચ્ચારું તો વર અને જેઠ ઉત્તર શો આપે?

ડાબી દિશાએ દુર્ગાપક્ષી બોલ્યું. શું, શુકન થાય છે? અંબિકાની ઇચ્છા હશે? મારું સ્વપ્ન સિદ્ધ થશે? આ જન્મે તો આશા નથી !

અચલગઢની તળેટીમાં મંદાકિનીકુંડ પાસે પહોંચી. એનો સત્કાર કરવા