પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરમાર બાંધવો
211
 

મહામંડલેશ્વર ધારાવર્ષદેવ પોતે ઊભા હતા. એ યોગી-શા રાજવીને અનુપમાએ મસ્તક નમાવ્યું. અચળગઢના ગગનચુંબી પ્રાસાદ, કે જે આજે ભર્તુહરિ-ગોપીચંદની ગુફાને નામે ઓળખાય છે, ત્યાંથી એણે સંસ્કૃત કાવ્યના રટણ-ઘોષ સાંભળ્યા. કોઈકનો ઘેરો કંઠ કવિતાના સ્ત્રોતની, જાણે કે આકાશેથી લહાણી કરતો હતો.

"આ કોણ?” અનુપમાએ મહામંડલેશ્વરને પૂછ્યું.

“એ તો પ્રહૂલાદન. તારા જેઠની જેમ મારા નાના ભાઈને પણ વિદ્યાનું વ્યસન લાગ્યું છે, બેટા !”

"મને જેઠજીએ એ વાત કરી હતી. આપ મને એમની પાસે લઈ જશો?”

શૌર્ય અને વિદ્યા બેનો જ્યાં સંયોગ થાય છે ત્યાં ભારતવર્ષનો યુગાત્મા પ્રકટે છે. એવો યુગદેવ અનુપમાએ એક સ્તંભતીર્થમાં દીઠો હતો – પોતાના જેઠ વસ્તુપાલને; બીજો દીઠો અચલગઢને કાંગરે, ધારાવર્ષના નાનેરા ભાઈ પ્રહૂલાદનદેવના દીદારમાં. નમન કર્યું. અને ચાખડીએ ચડીને મૃગચર્મ પરથી ઊભા થઈ ગયેલા પ્રહૂલાદન પરમારની આગળ અનુપમાએ એક કિનખાબે વીંટેલી ભેટ મૂકી કહ્યું: જેઠજીએ આપને મોકલેલ છે – પોતાના રચેલા નરનારાયણાનન્દ મહાકાવ્યનો પહેલો સર્ગ, અને કહાવ્યું છે કે આપનું નાટક પાર્થપરાક્રમવ્યાયોગ' એમને પહોંચ્યું છે, એમણે પ્રશંસ્યું છે. ગુરુ સોમેશ્વરદેવે પણ ધન્યવાદ કહાવ્યા છે.”

"અને મને કંઈ નહીં” વૃદ્ધ ધારાવર્ષદેવ હસ્યા.

"આપને તો ગાંડીવ સિવાય બીજું શું મોકલવા યોગ્ય?" એમ કહેતે કહેતે બાણાવળીઓમાં અપ્રતિમ એવા, એક જ શરે ત્રણ-ત્રણ મહિષોને સામટા વીંધનારા એ વૃદ્ધની અડીખમ ભુજાઓ તરફ અનુપમાનાં નેત્રો મંડાયાઃ “ને એ તો આપને કયો અધિકારી મોકલી શકે? અચલેશ્વરે પોતે જ ત્ર્યંબક અપ્યું છે જેમને .”

“રહેવા દે, બેટા! વધુ ન બોલ. મહાદેવના ત્ર્યંબકને તો સીતા નામની એક છોકરીએ જ ઘોડો કરીને ઘસડ્યું ત્યારથી અમને સૌ બાણાવળીઓને તમારી જાતિની બીક લાગે છે.”

“ચંદ્રાવતીના શ્રેષ્ઠીઓ આપની ક્ષમાએ આવે છે” એમ કહીને અનુપમાએ મહામંડલેશ્વરને બધી વાત કરી.

"એવી જરૂર નહોતી.” ધાર પરમારે હસીને કહ્યું, "ને ચંદ્રાવતી અરક્ષિતા છે એ તો હું પણ જાણું છું. એ માટે તો આ પ્રહલાદન એક નવા નગરનાં તોરણ બાંધનારો છે. અહીંથી ત્રીસેક કોસ ગુજરાત ભણી એનું સ્થાન મેં નક્કી કર્યું છે.”

આજે પાલનપુર નામે ઓળખાતા અને તે કાળે પ્રફ્લાદનપુર કહેવાતા નગરની ધાર પરમારે વાત કરી. ચંદ્રાવતીના કાયમી જોખમમાંથી લોકોને ઉગારી લેવાનું આ