પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વૈર અને વાત્સલ્ય
9
 


રાંધણિયામાં જઈને દેવરાજ પોતે થાળીઓ પિરસાવીને લઈ આવ્યો. સ્ત્રીને પોતે બહાર બોલાવી નહીં. પરોણો કોણ છે તેની સ્ત્રીને ખબર પડી નહીં. ફક્ત દેવરાજની સાથે એક ભાણે જમવા બેઠેલો બાર વર્ષનો વીરુ મહેમાનના ચહેરાને નિહાળી નિહાળી જોતો હતો. વાળુ કરીને ઊઠ્યા પછી ઓશરીના ઢોલિયા પર મહેમાનના ખોળામાં જઈને એ બાળક વીરુએ એના કમરબંધમાં ખૂતેલાં હથિયાર પંપાળી જોયાં, ને એની મુખમુદ્રા પરના ઊંડા લાંબા વ્રણોના ખાડા શુક્રતારાને અજવાળે જોતો રહ્યો. લવણપ્રસાદે પોતાના પુત્રને મસ્તકે ને લલાટે હાથ ફેરવ્યો; પછી એના અંતરના કપાટો તૂટું તૂટું થયા; એ વધુ વાર ત્યાં બેસી શક્યો નહીં; એણે રજા માગી. દેવરાજ પણ એ અંધારી રાતમાં પરોણાને વળાવવા ચાલ્યો.

“અત્યારે કેમ કરી જાશો?” દેવરાજે પૂછ્યું.

“સાંઢ્ય બહાર તૈયાર છે.”

“એકાદ દી રોકાવું કોઈ રીતે બની શકે?”

“ના ભાઈ, કાલ સાંજે તો પાટણ પહોંચ્યે છૂટકો છે.”

“રોકાણા હોત તો મારે બે વાતો કહીને કોઠો ખાલી કરવો હતો. આઠ વર્ષ પહેલાંની વાત–”

"હવે તો એ વાત પર ઢાંકણ ઢાંકી દીધું છે મેં. મેં એકલાએ જ નહીં, વિધાતાએ પણ,” એમ કહી લવણપ્રસાદે પોતાના ચહેરા પર આંગળી ચીંધી. "ને હું સમજું છું કે આજની ગુજરાતમાં રાજપૂતને ઘરસંસાર ચલાવતાં આવડશે નહીં. મને આવડ્યું નહોતું. પાટણ પડીને પાદર થયું છે. મારો ભોળિયો ભીમદેવ જીવતે મૂઓ છે. મ્લેચ્છોની તલવારે ગુજરાતનું કાચું માંસ ચાખી લીધું છે. મદનરાણી ભલે તને રહી; એને ઠરીઠામ બેસવું હતું તે ભલે બેઠી. ફક્ત એટલું જ વીનવું છું કે મારા વીરધવલને વીર બનાવજે. કોક દિવસ ગુજરાતને બેઠી કરવા એ કામ લાગશે.”

એટલું બોલીને લવણપ્રસાદ વાઘેલો ભાંગેલા શિવાલયની દિશામાં ચાલી નીકળ્યો, અને વીશ વર્ષની વયથી જ પોતાના પરિણીત જીવનને છૂંદી નાખનારા ગુજરાતના રાજકીય સંજોગોને મનથી શાપ દેતો એ સાંઢણી પાસે જઈ પહોંચ્યો.

સાંઢણી-સવાર જેહુલે પોતાના ધણીની પાછળ પાછળ આવીને થોડે દૂર થંભી રહેલા એક આદમીનાં સફેદ કપડાં જોયાં હતાં, ને બેઉ વચ્ચેનો બોલાશ પણ સાંભળ્યો હતો. લવણપ્રસાદ જે કામે ગામમાં ગયો હતો તે કામ પાર પડ્યું નહોતું એ તેણે પરખી લીધું. ને બેઉ સવારોને ઉપાડી લઈ સાંઢણી જ્યારે પાટણની વાટ અને અમાસની ઠંડી રાત કાપી રહી હતી ત્યારે જેહુલને કાને પાછળ બેઠેલા લવણપ્રસાદના નાકનાં ગાઢાં નસકોરાં સંભળાયાં.