પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
10
સળગતો સ્વામીભાવ

પાટણમાં સર્વાધિકારીના પ્રાસાદમાં વીરમદેવ સૂતો હતો. લવણપ્રસાદ એના ઓરડામાં આવ્યા ત્યાંસુધી રાતાચોળ હતા; પણ વીરમનું મોં નિહાળતાં એના વૃદ્ધ હૃદયને એક નબળે ખૂણેથી દુર્બલ વાત્સલ્યનો અવાજ ઊઠ્યો. એના મનમાં એકમેકની વિરોધી લાગણીઓ બોલતી થઈ. ધોળકું એ પાટણ નથી, ધોળકામાં પાટણની પાયમાલી ઊભી થવા દેવી નથીઃ એ સૂત્ર વણિક મંત્રીઓએ ધોળકાવાસી રાણા-રાણકીથી લઈ રંગરેજના હૃદય સુધી સતત ઘૂંટાવ્યું હતું. પણ ધોળકાના ક્ષત્રિય ધણી વાઘેલ કુળમાં પોચી લાગણી પ્રવેશતી હતી તે શું ખરે જ સારું હતું?

વીરમને વદને દૃષ્ટિ ફરતી ગઈ તેમ તેમ લવણપ્રસાદની પાંપણો ભીની થતી ગઈ. આ છોકરો રાણકપદનો વારસદાર છે. એને કોઈ નાવારસ તો નહીં ઠેરવે? ગાદીનો સ્વામીભાવ લવણપ્રસાદના કલેજામાં કેટલીક નબળી વાતો મૂકવા લાગ્યો. પણ એણે પોતાના બિરદને એથી પણ વધુ મોટા અવાજે હોકારતું સાંભળ્યું. પોતે આ ખંડેરોનાં ભીંતડાં ફગાવી દઈને નૂતન ગુજરાતનું નિર્માણ કરવા બેઠો હતો તેવું તો સ્પષ્ટ ભાન એ સૈનિક-હૃદયને નહોતું, પણ જે ધરતીનું ધાન ખાઈને પોતે જીવતો હતો તેના પ્રત્યે એને ભક્તિ હતી. એ ભક્તિ એક શ્રદ્ધાળુની હતી. સાગરતીર પર્વતની પૃથ્વી પાછી ન જિતાય ત્યાં સુધીનો સંન્યાસ એના અંતરને ભગવા રંગે રંગી રહ્યો.

ચોમેર પાટણ સૂતું હતું. ઘોરતા નગર પર એણે નજર ફેરવી. કોઈ અફીણી ઊંઘતો હોય તેવું એને સૂતેલું પાટણ લાગ્યું. દૂર સરસ્વતી વહેતી હતી. એનો પ્રવાહ પણ પુરાતો હતો. યુગો સુધી જે પાણી પોતાની છાતીએ નૌકાઓ રમાડતાં તે પાણી પ્રતિદિન છીછરાં બનતાં હતાં. સરસ્વતીની નગ્નતા ઉઘાડી પડતી હતી. સરસ્વતીનું એ કંગાલ સ્વરૂપ જનતાની આંતરિક અધોગતિનું જ પ્રતીક હતું. પાટણ ભાંગતું હતું તેને ભોગે જ ધોળકા ને ખંભાતની આબાદાની જામતી હતી. લવણપ્રસાદની પીઠ પાછળ જ નહીં, મોઢામોઢ પણ એ મર્મબોલ કહેનારા મળતા હતા, કે આણે પુત્રને ખટવવાનો જ બધો ખેલ માંડ્યો છે !

બીજી બાજુ આ શ્રાવક ભાઈઓ પણ હદથી જ્યાદે પ્રભાવ જમાવતા નહોતા