પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સળગતો સ્વામીભાવ
219
 

શું? તેમના પેટમાં... પાપ...

ના રે જીવ, ના, એ કલ્પના આજથી ન કરવી ઘટે. હજુ તો એમની પાસેથી કંઈક કામ લેવાનાં બાકી છે. હજુ તો ગુર્જરીનાથને आसमुद्र्क्षितीश કરવાનો છે. મારા જ પેટમાં કદાચ પાપ ઊપડતું હશે ! વીરમ આંહીં જ ભલે રહ્યો. ધોળકાનો ગાદીધણી એ બને કે નયે બને, પણ મહારાજ ભીમદેવની નજરે તો એને નાખી શકીશ ! એનું પ્રારબ્ધ કદાચ વધુ જોર કરવાનું હશે...

ભાંગ્યાતૂટ્યા મનોભાવને એણે જલદી જલદી કોઈ ચોરની પેઠે સંતાડી દીધા.

કુમાર વીરમદેવ કાયમને માટે દેશવટે આવ્યો છે એવી જાણ પાટણમાં સારી પેઠે પ્રસરી ગઈ. એ ધોળકાના શાસકોનો અળખામણો બન્યો છે તે જ કારણે પાટણની કેટલીક ટોળીઓને એનાં પર વહાલ વરસવા લાગ્યું હતું. એ દિન-પ્રતિદિન પાટણવાસીઓનો કૃપાપાત્ર બનતો ગયો. પાટણના દ્વેષભાવ ઉપર એનું આવવું ઘી બનીને રેડાતું રહ્યું. અમુક કુટુંબોમાં એના આદરમાન ટાણે ને કટાણે, દિવસે ને રાત્રિએ થવા લાગ્યાં. કુમારના એવાં સ્વાગત જે જીવતાં માનવ-શરીરો વડે થઈ રહ્યાં હતાં તેનાથી લવણપ્રસાદ અજાણ રહ્યો હતો કે જાણતો છતાં અબોલ રહ્યો હતો તે કળવું કઠણ હતું. પણ વીરમદેવ પટ્ટણીઓનો પ્રેમ સંપાદન કરી રહેલ છે તે એને ગમતું હતું. તે વાતથી આજારી ભીમદેવને પોતે એક અથવા બીજી રીતે વાકેફ કરતો જ રહ્યો. પાટણની ગાદી એને લલચાવતી હતી કે પૌત્ર પરનું વાત્સલ્ય એને નબળો પાડી રહ્યું હતું તે તો એ પોતે પણ નક્કી નહોતો કરી શકતો. બાકી તો ખરું કારણ એક જ હતું: લવણપ્રસાદ વૃદ્ધ બનતો જતો હતો.

'નહીં નહીં,' એનો સદાત્મા બોલતો હતો, 'ગુર્જર દેશનો સીમાડો સાગરને તીરે દોરાય નહીં ત્યાં સુધી તો વસ્તુપાલ-તેજપાલની સત્તા મારે વેઠવી જ ઘટે. વીરમને તેમણે ધોળકા છોડાવ્યું તે ઠીક જ કર્યું, ઠીક જ કર્યું, બીજું બની જ ન શકે.' આમ મન પર એ વારંવાર ભાર મૂકીને ઠસાવવા લાગ્યો.