પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પૌરુષની સમસ્યા
221
 

પ્રભુપ્રાસાદનું કામ ઉપાડી શકાય.” એમ કહીને અનુપમાએ સોનાં પાથરીને જમીન ખરીદાવવાની જવાબદારી જેઠ પર નાખી.

"મેં ખરીદાવી એ ખરું છે. પણ તે તો ત્યાં તમે જમીનનાં મૂલ ચર્ચીને આપણી આબરૂનું લિલામ કરાવતાં'તાં એટલે જ ને ! ખેર, પછી બીજું?”

“બીજું તો આપે જેમને બિચારા કહી આશરે તેડાવેલા તેમને કેવળ વાતોનાં જ વાળુ કરાવીને હું પાછી વળી છું. પણ એમને મેં વચન આપ્યું છે કે હું તેમની સાથે તડકાછાંયા વેઠવા રહેવા આવીશ, છેટે બેઠી બેઠી માત્ર શૂરાતનનાં વેણ નહીં પીરસ્યા કરું.”

“તમે શું કરશો?”

"બીજું તો શું, ચંદ્રાવતીની ચાલી આવતી અગ્નિપરીક્ષાને ભેટવા તેમને પ્રભુભક્તિ કરાવીશ, તેમની સમતા વધે તેવાં સ્તવનો ગાઈશ.”

આવતી અગ્નિપરીક્ષાનું આ નારીને ભાન છે એ જાણી વસ્તુપાલ રાજી થયો. થોડી વાર તો એને અનુપમાના શબ્દોમાં ફિશિયારી લાગી. પણ વધુ વિચારે તેને ખાતરી થઈ કે ચંદ્રાવતીને પાણી ચડાવવા સારુ આવી નારીની જ જરૂર છે. નારી જ દેશના યુવાનોને હૈયે સ્વપ્ન ભરી શકે છે તેમ વૃદ્ધોની આંખોને ભૂતમાંથી ભાવિ તરફ મીટ માંડતી કરે છે.

પણ એથી વધુ અગત્યનો પ્રશ્ન તેજપાલનો લાગ્યો. પોતે પુરુષ હતો, બે બૈરીઓનો સ્વામી હતો, એટલે પુરુષના પૌરુષનો કોયડો બરાબર સમજતો હતો. તેજપાલમાં જે ગુસ્સો અને ઉતાવળિયાપણું હતું તેનું કારણ તેને અસંતુષ્ટ કામેન્દ્રિય લાગ્યું. મોટા સ્વધર્મોમાં સરતી જતી અનુપમા એક સૈનિક સ્વામીને જોઈએ તેવી રસિકતા પૂરી પાડી શકે નહીં, અને પોતાની સ્ત્રીની નરી પવિત્રતા–ધાર્મિકતાનો ગર્વ કોઈપણ પતિને વાસનાતૃપ્તિ આપી શકે નહીં. કોઈક દિવસ એવો ગર્વ ધિક્કારમાં પરિણમે. કોઈક દિવસ એ પુરુષનું પુરુષાતન ભટકવા નીકળે. અનુપમાએ કાઢેલો ઉકેલ વાજબી હતો. અને એવું સમાધાન કરવા ઇચ્છતી સ્ત્રી એક મ્યાનમાં બે તલવારો જેવું જીવન જીવી જ ન શકે. માટે અનુપમાનું ચંદ્રાવતી જઈ રહેવું એ પણ ના ન પાડી શકાય તેવું પ્રયાણ હતું. પતિને નવી પરણાવીને પોતે કુટુંબમાં રણીધણી થઈને રહેવાની ભ્રમણા અનુપમાએ સેવી નહોતી. ડાહી વહુ ડહાપણનો અખૂટ ભંડાર દેખાણી.

“તમારી બન્ને વાતો નક્કર છે, દેવી !" મંત્રીએ કબૂલ કર્યું, "ને તમારી એટલી પણ સેવાથી વંચિત બનનાર તેજલ તૂટી પડે તો નવાઈ નથી. એને મનાવવાનું હું માથે લઉં છું. પણ હવે હુંયે માગી શકુંને?”