પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
13
સાચક ભટરાજ

જાત્રાળુઓની અનંત કતાર વચ્ચે એક ઘોડેસવાર કઢંગી ચાલે અશ્વ હાંકતો એ વાહનોના વ્યવહારમાં ખલેલ કરતો ચાલ્યો આવતો હતો. સૌ એને ટપારતા હતા. શ્રાવકો હસી, કંટાળી, કહેતા હતા કે, “નવી નવાઈનો અસવાર લાગે છે. બાપગોતર કદી ઘોડે બેઠો નથી જણાતો.”

"તોછડાઈ ન કરો,” ઘોડેસવાર જવાબ દેતો હતો, “આજકાલના નથી અમે. અમેય સૈન્યમાં સેવા કરી છે.”

“અરે હા હા ! કોના સૈન્યમાં?”

"આ તમારા તેજપાલના જ સૈન્યમાં. તોછડાઈ શું કરો છો? અમેય એક દિવસ ભટરાજ હતા.”

એમ કહેતો કહેતો પ્રત્યેક વાહનને ટલ્લે ચડતો હતો, અને "જોઈ લેજો ભટરાજ ન જોયા હોય તો!” એમ બોલી બોલી યાત્રિકો આગળ વધતા હતા.

ચિડાઈને ઘોડેસવાર બબડતો હતો: “ફાટ્યા છેને ! ફાટો ફાટો, બાપુ ! કોના બાપની ગુજરાત છે !”

એની બોલીમાં માલવદેશ તરફની છાંટ હતી. ટલ્લે ચડતો ચડતો એ છેક પાછળ પડી ગયો, અને બે સુખપાલોથી શોભતી એક નાનકડી જાત્રાળુ-મંડળી લગોલગ એ થઈ ગયો. એ સુખપાલોમાંના એકમાંથી એક સ્ત્રીએ બહાર ડોકું કાઢ્યું, એટલે પોતાને સૈન્યનો ભટરાજ કહેવરાવવા ઈચ્છતા એ ઘોડેસવારે યાત્રિકોનાં ટોળાંને ઉદ્દેશીને વધુ તીખો બબડાટ આરંભ્યો: “હાલી મળ્યાં છેને ઘેલડાં ! ઘરમાં હોય એટલાં ઘરાણાં ઘાલીને નીકળી પડ્યાં છે ! કોના બાપની ગુજરાત ! કયો કાકો રક્ષણ કરી દેવાનો હતો. પોલું છે પોલું, બધું !”

“અરહંંત ! હે અરહંત !” બીજા સુખપાલમાં બેઠેલો એક બુઢો જણાતો યાત્રાળુ બે હાથ જોડીને ગાંડાની માફક સૌરાષ્ટ્રભૂમિને સંબોધતો હતોઃ “વાહ તીર્થંકરોની ભૂમિ ! વાહ વા! વાહ મારા દાદા! ન ભૂતો ન ભવિષ્યતિ !”

“હા એ તો,” ઘોડેસવાર ભટરાજ પણ બબડતા હતા, “ભૂતોથી જ ભરી