પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
230
ગુજરાતનો જય
 

લેવા મથતા ને છેવટે 'નારી નરકની વેલડી ! નારી નરકની ખાણ !' એ સ્તવન ગાતા. ગાતા 'અભાગ્ય તારાં !' એમ કહી દેવપૂજા માટે ચાલ્યા જતા. દેર દેરે જઈ પોતાને જે મળે તેને વાતે ચડાવતા, વસ્તુપાલ શેઠનાં વખાણ કરતા અને સામા માણસનું પેટ લેવા પ્રયત્ન કરતા.

માળવી ભટરાજ શેઠાણી સાથે પડાવમાં રહી વાતો કરતા; શેઠાણીને સૈન્યની ને શૂરવીરોની વાતો ગમતી. સૈન્ય કેવાં હોય, તેના પડાવો, શસ્ત્રસરંજામો, વ્યૂહરચનાઓ વગેરે કેવાં હોય એવું પૂછ્યા જ કરતી. ને માળવી ભટરાજ પણ બહાર ફરી આવીને કહેતાઃ “આજ તો સૈનિક ભાઈબંધોને મળવા ગયો હતો.” “આજ તો ફલાણી ચોકી પર જઈ જૂના સંબંધો તાજા કરી આવ્યો, ને અમુક નગરદ્વારના રખેવાળોને ખરખબર પૂછી આવ્યો.”

"આંહીંના યોદ્ધા, કહે છે કે, બહુ રૂપાળા હોય છે, એ સાચું?” શેઠાણી એને પૂછતાં.

"ના રે ના, ધૂળ રૂપાળા ! અમારા અવન્તિના સૈનિકોની આંખો, મરોડ, બાંધો, બોલી, એ બધું ક્યાં? ને ક્યાં બાપડા આ બનાવટી ગુર્જરો ! માળવીને જુઓ તો ચક્કર ખાઈ જાઓ.”

"એ તો રોજ ખાઉં જ છુંના?” એમ કહેતાં શેઠાણી હસી પડતાં અને એવી કટોકટીની વેળાએ માળવી ભટરાજ વધુ અનુભવો આ શેઠાણીને ખોળે ઠાલવવા માટે બહાર નીકળી પડતા.

“છેક જ પોલું ! ઓહોહો ! આ તો બધો ઉપલો ઠઠારો !” સાંજે આવીને ભટરાજે વાત છેડી.

“અરહંત ! અરહંત !” જિન-સ્તવન રટતે રટતે શ્રેષ્ઠીએ આંખ આડા કાન કર્યા એટલે માળવી ભટરાજે અરહંતના રટણમાં ખૂતેલું એમનું ચિત્ત બહાર કાઢવા વધુ પ્રયત્ન કર્યો. "છેક સૈન્ય-દુર્ગમાં પણ બધું ઢમઢોલ માંહીં પોલ.”

ચમકીને શેઠાણી ચેતવતાં: “ધીરે બોલો, ભટરાજ ! એવું ના બોલીએ. બોલ્યું બહાર પડે. મને તો બીક લાગે છે.”

"શું કરું પણ? મારો તો જીવ બળે છે. આ ધોળકાનું શું થવા બેઠું છે? બધું જ પોલ. હું તો છેક દુર્ગમાં જઈને બેસી આવ્યો આજ.”

“એ જંજાળ છોડી દો ભટરાજ, ને હવે તો પ્રભુમાં ધ્યાન પરોવો. શું સૈન્યમાં ફરી સેવા માગવા ગયેલા?”

“ના. આ તો હું સહેજ જૂની ઓળખાણ તાજી કરવા ગયેલો. છેક દુર્ગમાં જઈ આવ્યો.”