પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુવેગ ફાવ્યો
235
 

રગદોળાયેલાં જુલફાંએ વધુ દીપતો માલવી ભટરાજ ઊભો થયો કે તુરત એનો કાન ઝાલીને એ નવા આવનાર પુરુષે કહ્યું: “તમે લીધેલો પેચ ધોળકાના અખાડાઓમાં તો કદી શીખવાતો મેં જાણ્યો નથી.”

નીચે પડેલો શ્રેષ્ઠી ઊભો થતો થતો બોલ્યો: “એ પરદેશી ચર છે, મહારાજ. મને એ લૂંટતો હતો. હું તો આંહીં સંઘમાં આવેલ છું.”

“સાચું કહે છે આ માણસ? કોણ છે તું?” આવેલ પુરુષે માલવી ભટરાજને પૂછ્યું.

“હું અને આ બેઉ કોણ છીએ તેની તજવીજ તો મંત્રીશ્વર કરી શકશે, દુર્ગપાલજી! આપ અમને બેઉને એક ઘડીના પણ વિલંબ વગર સીધા મંત્રીશ્વર પાસે લઈ જાવ.”

“દુર્ગપાલજી, મને પહેલો મારી પત્ની પાસે લઈ જાવ.” પેલા આદમીએ અરજ કરી.

“ના, મહારાજ! જોજો રખે એ ભૂલ કરતા. મંત્રીશ્વરના નામથી હું આપને એમ કરતાં અટકાવું છું.”

આ શબ્દોમાં કોઈ નિગૂઢ સત્તાનો ટંકાર હતો. આવેલ અધિકારી મનમાં મનમાં હસતો હતો. એણે મશ્કરી આદરી એટલે માલવી ભટરાજે પોતાના અવાજમાં વિશેષ સત્તા મૂકીઃ “દુર્ગપાલ મહારાજ ! હમણાં અજવાળું થશે અને તમે જીવનભર પસ્તાશોઃ કોઈ નવો માણસ આ મામલો જાણવા પામે તે પૂર્વે જ મંત્રીશ્વર પાસે અમને બેઉને પહોંચતા કરો. કરો છો કે નહીં?”

“અલ્યા,” પેલા પુરુષ સહેજ હસ્યા, “તું તો આજ્ઞા કરતો લાગે છે.”

“આજ્ઞા કરતો લાગું છું એમ નહીં પણ આજ્ઞા કરું છું, દુર્ગપાલ ! તમને ગુજરાતની ખેવના હોય કે ન હોય, તમારા શિરની, બૈરીની, છોકરાંની, કોઈની ખેવના હોય તો હું કહું છું તેમ કરો.”

"હવે કંઈક પતાવટ કરીને, મારા ભાઈ!” દુર્ગપાલે દાણો દબાવ્યો.

“હું ખુશી છું.” શ્રેષ્ઠી ઉત્સાહમાં આવી ગયો, “આપની જીભે આંકડો ચુકાવું. વાત આંહીં જ દાટીએ.”

એટલું સાંભળતાં તો પેલા શ્રેષ્ઠીવેશધારીની ગરદન પકડીને માલવી ભટરાજે આગળ કર્યો ને કહ્યું: “દુર્ગપાલજી! ચીંથરાં ફાડી રહ્યા હો તો છેલ્લી વાર કહું છું કે ચાલો.”

દુર્ગપાલ તરીકે સંબોધાતો પુરુષ એ ચારે જણાની પછવાડે ચાલ્યો. પાંચે જણ ધોળકા નગરના દરવાજામાં અદશ્ય થયા.