પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

2
મા ને પરિવાર

વચ્ચે વીરમગામમાં રાતનું કામ પતાવીને લવણપ્રસાદ નામનો આ ધોળકાનો રાણો, પાટણનો એક મંડળેશ્વર, આગળ વધ્યો.

બગબગું થયું ત્યારે મંડલિકપુરની સીમ સુધીનો પલ્લો સાંઢણીએ ખેંચી કાઢ્યો હતો.

આજે માંડલ નામે ઓળખાય છે તે મંડલિકપુર ગામના તળાવતીરે એક નાનકડું ટોળું ઊભું હતું. ત્રણ છોકરા અને ત્રણેક છોકરીઓ. ચાળીસેક વર્ષની ઉંમરની એક બાઈ ઊભી હતી. એક ટારડું ઘોડું હતું. ઘોડાને ઝાલીને એક ઠાકરડો ઊભો હતો.

બાઈના શરીર પર રાતો એક સાડલો અને રાતું છેક કાંડા લગી કાપડું હતું. હાથમાં ચૂડા નહોતા. પહેરવેશ અને દેખાવ વિધવાનો, છતાં કાયા માંસલ અને ઝગારા કરતી હતી: ગૌરવરણી એ વિધવાની આંખોમાં ધાર્મિક શાંતિ અને મોં ઉપર પૂરેપૂરી પચાવેલી વેદનાભરી સ્વસ્થતા છવાઈ રહી હતી. ચારથી આઠ વર્ષની બે છોકરીઓ એના સાળુની સોડમાં લપેટાઈને ઊભી હતી. બીજી એક કન્યા ઉદાસ મોંએ ઊભી હતી. ત્રણેય છોકરાનાં શરીર પર તેઓ લાંબા પંથના પ્રવાસે જતા હોય તેવા ઢંગ હતા.

માતાએ છયે છોકરાંને કહ્યું: “નવકાર મંત્ર ગણી લીધા, બચ્ચાંઓ?”

“હા, મા.”

"લો ત્યારે હાથ જોડો, તમને શાંતિપાઠ સંભળાવું, પછી વિદાય થાઓ.”

છયે ભાંડરડાં હાથ જોડીને ઊભાં ઊભાં માના મુખમાંથી ધર્મનું મંગળસ્તોત્ર સાંભળી રહ્યાં.

“જાઓ, બચ્ચા ! શાસનદેવ તમને સુવિદ્યા આપે. કુમારદેવ ગુરુના કહ્યામાં રહેજો અને સોમેશ્વરને પાછા રજામાં આંહીં તેડી લાવજો.”

ઓવારણાં લેતી માની આંખે જળ દેખાયાં, ને તેણે ચૌદ ને સોળ વર્ષના બે પુત્રોને ભલામણ કરી, “વસ્તિગ, તેજિગ, તમે બેઉ ભાઈઓ લુણિગને સાચવજો.