પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
236
ગુજરાતનો જય
 

તેઓ જે મકાન પાસે આવી પહોંચ્યા તે અલાયદું, સુંદર બાંધણીનું બંદીગૃહ હતું. ત્યાંનું દ્વાર આ પુરુષના અવાજે ઊઘડ્યું. મશાલ લઈ માણસો આવ્યા, અને પેલા રાજપુરુષે શ્રેષ્ઠીને તથા તેની પાલખી ઉપાડનારાઓને કડક કારાવાસમાં મોકલી દઈ માલવી ભટરાજને પાછળ રાખ્યો. “આંહીં આવ !” કહીને એને બહાર રસ્તા પર લીધો ને પોતાની બુકાની વગેરે વેશપરિધાન દૂર કર્યો.

“કોણ, પ્રભુ પોતે જ !” પેલો ભટરાજ ભોંઠો પડીને પગે લાગ્યો.

“સુવેગ ! નાદાન ! અવાજ ઓળખતો નથી ને મોટો ચર બન્યો છે !” એમ કહીને હસતા પુરુષે હેતથી ભટરાજનો ખભો થાબડ્યો: “આંખોને જેટલી કેળવીએ તેટલા જ કાનને કેળવવા જોઈએ.”

"પણ આપે તો ગજબનો સ્વર બદલાવેલો, પ્રભુ!”

"માટે જ ગુપ્તચરની ચાતુરીની જરૂરના ! ગધેડાના સ્વરને તો સૌ ઓળખે. ઠીક, હવે? કોણ છે આ?”

"મેં કહેલો તે જ – સિંઘણદેવનો ચર સુચરિત લાગે છે.”

"પેલી હજુ બાકી છેના ! જા તું, શત્રુંજય પર મળજે.”

પ્રણામ કરીને એ ભટરાજનો પાઠ ભજવતો સુવેગ નામનો ગુર્જર ગુપ્તચર પાછો પોતાની શેઠાણી પાસે પહોંચી ગયો. અને અહીં સંઘના પડાવનું નિરાંતે નિરીક્ષણ કરવા આવેલા મંત્રી વસ્તુપાલે એ બંદી બનેલા પરદેશીના શરીર પરથી મળી આવેલી ઝીણી મોટી એકેએક વસ્તુ કઢાવીને પોતાની સાથે યાત્રામાં લીધી.