પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહામેળો
239
 

પાંખો વગરની એ જાણે વિદ્યાધરી હતી. પાલખીમાં એનો પગ ટકતો નહોતો. વગડાનાં આવળ-ફૂલોને એ ઝુલાવી ઝુલાવી ગાલે સ્પર્શાવતી હતી ને કોઈ શ્રાવક જોઈ ન જાય તેવી છૂપી રીતે લજામણીનાં પાંદડાંને લગાર અડકીને ચીમળાઈ બિડાઈ જતાં જોવાના એના ક્રૂર કોડ તો અણપુરાયા ને અણધરાયા જ હતા. અને આ કુદરતખોળે ક્રીડા કરતી જોતો પતિ ચિંતવતો હતો, કે કેટકેટલી સામાન્ય ગૃહનારીઓનાં હૈયાં આવી ક્ષુધાએ દિવસ-રાત તલસતાં હશે. એવાં લાખો હૃદયોને રમાડી શકું ને વારંવાર આવી યાત્રાઓ કાઢી શકું ! આખરની ઘડી પણ આવી કોઈ યાત્રાને માર્ગે જ આવો !

લલિતાને તો બીજી જ લેર લાગી ગઈ હતી. ડોલતાં ડોલતાં ટેકરા-ટેકરીઓની ચડઊતર કરવી, બોરડીઓનાં બોર વીણવાં ને આંબળાંની ખટાશ ચખાડીને સોખુની ને અનુપમાની જીભ ત્રમત્રમાવવી; લાગ ફાવે તે યાત્રિકના શકટમાં ચડી બેસવું, તેમની જોડે લાંબીચોડી વાતો ચલાવવી. તેમને તેમના વતન વિશે હજાર હજાર પ્રશ્નો પૂછતાં જીભ થાકે નહીં, અને એ કરતાં પણ વધુ તો કોઈ યાત્રિકનાં રાભડાં રતુંબડાં નીરોગી બાળકો દીઠાં કે તરત તેને પોતાને ઘેર લઈ જવા માટે માગી લેવાનો નાદ લાગ્યો હતો. એ કોઈ કોઈને તો કહી લેતી: “મારી બેન સોખુને માટે મારે એક છોકરું તો જોઈએને !"

છોકરાં દીઠાં કે એના ગજવામાં એકાદો દ્રમ્મ છૂપી છૂપી એ સેરવી જ દેતી. વિધવા અનાથ બાઈ દીઠી કે તેને માટે એણે પચાસ-સો દ્રમ્મ કાઢ્યા જ હોય. તે છતાં વસ્તુપાલ જ્યારે એને કહેતો કે “દેવી ! તું અનુપમાને દાનાદિકમાં મદદ કર” ત્યારે એ એવો ઉત્તર વાળીને છટકી જતી કે, “ના રે ના, એ તો છે ઉડાઉ, મારો જીવ એમ ઘી ઉરાડતાં ચાલે નહીં. આટલાં બધાં ઘીનાં કડાયાં ભર્યા છે તે હમણાં જ ખાલીખમ થઈ જવાનાં છે એ વિચારે મારું તો હૈયું જ ફાટી પડે છે.”

એમ કહીને એ સવારના ભોજનદાન સમયે પતિથી દૂર ભાગતી ને જતી જતી અનુપમાના કાનમાં કહેતી જતી કે “અલી જૂઠું જૂઠું કહ્યું હતું, એ તો તારા જેઠને ફસાવવા માટે. મારાં તો બાઈ, વસ્ત્રો બગડે એ મારે ન પોસાય. હું તો ફૂલ ફૂલ થઈને જ ફર્યા કરવાની. તું એકલી વહેંચ્યા કર ઘીની કડાઈઓ ને કડાઈઓ. કોઈ તારો હાથ નહીં ઝાલે. દીધા કર, તારા ને મારા લલાટમાં ઘીનાં કડાયાં ભર્યા છે ત્યાં સુધી દીધા જ કર, ત્યાંસુધી હાથ સંકોડતી ના, અનુપમા”

આમ દાનાદિક દેવાનું કામ અનુપમાને જ ભળ્યું હતું. શત્રુંજયની તળેટીમાં એ અભ્યાગતો-અકિંચનોનાં ઊમટતાં ટોળાં વચ્ચે વીંટળાતી હતી. ભરેલાં કડાયોમાંથી એના હાથ ઘીની લહાણી કર્યે જતા હતા, પણ ક્ષુધિતોનું ટોળું ખાળ્યું રહેતું નહોતું.