પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
240
ગુજરાતનો જય
 

એમાં એક અભ્યાગત કંગાલે કડાયું ઝૂંટવ્યું. ઘીની ઝાલક ઊડી. અનુપમાનાં નવોનકોર હીરનાં ચીર ઘીમાં ખરડાયાં, એ ભાળતાંની વાર જ એના સંરક્ષકે એ કડાયું ઝડપનાર કંગાલના શરીર પર લાકડીનો હળવો ઘા કર્યો.

એ ધીરો એવો પ્રહાર નજરે નિહાળ્યો તે જ પળે અનુપમાની કાયાએ એક આંચકો અનુભવ્યો. એની આંખના ડોળા લાલ રંગે રંગાઈ ઘૂમવા લાગ્યા. કોપાયમાન બનવાનો આવો પ્રસંગ અનુપમાના જીવનમાં પહેલો હતો. એણે પોતાના લાકડીધારી સેવકને કહ્યું: “આ ક્ષણથી જ તું આ સંઘના સીમાડા છોડી જા, યાત્રામાં ક્યાંય ઊભો ન રહેતો. જાણતો નથી રે મૂઢ, કે હું ભાગ્યવશાત જો કદી ઘાંચણ સરજી હોત કે માલધારીના ઘરમાં અવતરી હોત તો! તો મારાં લૂગડાં ડગલે ને પગલે ઘી-તેલ ન બગડ્યાં કરત? એથી તો આ ઘીના ડાઘ-મેલ શું મહાભાગ્યની વાત નથી? પ્રભુદર્શને આવ્યાં તો મેલ પામ્યાંને? અને ગંડુ !” એમ બોલતે બોલતે અનુપમાની દ્રષ્ટિ એ ભિક્ષુકો-અભ્યાગતોની જામી પડેલી ઠઠમાં, એક બાજુ છેક છેવાડે ભીંસાતા એક ભૂખ્યા યાચક પર પડી, ને એ સૂચક શબ્દ બોલી -

"ને ગાંડા ! આ ઘીના છાંટા પણ મારા વસ્ત્રે ક્યાંથી ! આ ઘી અને સર્વ દાનપુણ્ય તો આપણા રાણાનું છે. આ સંપત્તિ તો બાપુ લવણપ્રસાદની ને રાણક વીરધવલની વપરાઈ રહી છે. પુણ્ય તો સર્વ એને જાય છે. મારા ભાગ્યમાં તો આટલા તો છાંટા ને ડાઘા મળે છે એટલા જ એમાંથી રહેશે.”

એ શબ્દો સાંભળીને છેવાડે ઊભેલો એ યાચક નીચું જોઈ ગયો ને છાનોમાનો સૌની પછવાડે સરકી ગયો. ફક્ત અનુપમાએ જ એને ઓળખી પાડ્યો.

તળેટીમાં ઊભાં ઊભાં વસ્તુપાલ આ નાનકડા દેવગિરિનો આંતરિક મહિમા એક ભક્ત કવિની નજરે નિહાળતો હતો. એની વીરશ્રી અને એની રાજનીતિજ્ઞતા થોડો વિસામો લેતાં હતાં. એની સંસ્કારિતા અને પારગામિતા પટમાં આવી રહ્યાં હતાં. એના પ્રાણમાં વાચા આકાર ધરવા ગડમથલ કરતી હતી. વાગ્દેવીનો વીણારવ વાગું વાગું થતો હતો.

એની પાસે શોભનદેવ સલાટ ઊભો હતો. પીઢ વયના મહામાત્યની વેશપોશાકની સરખામણીમાં યુવાન શોભનદેવનાં વસ્ત્રો ગરીબી દાખવતાં હતાં, છતાં તેના રૂપમાં વસ્તુપાલની કોઈ નિગૂઢ છાયા છવાઈ હતી.

“આ બાજુએ લલિતા-તળાવડી બાંધી છે,” એણે મંત્રીને એની પત્નીના નામના નવા બાંધેલા જળાશયની દિશા બતાવી.

"પણ અનુપ-સર ક્યાં છે?” મંત્રીએ અનુપમાન નામનું બંધાવેલું તળાવ યાદ કરાવ્યું.