પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

16
પોતાની બા

સ્તુપાલ ચમક્યો નહીં. 'આ બા' કોણ બોલ્યું એ એણે વિચાર્યું નહીં, બોલનારનો બોલ આખી પ્રતિમા પર લેપાઈ ગયો. પ્રતિમા પથ્થરની ન રહી, બા-રૂપ – બા પોતે જ બની ગઈ.

માતા કુમારદેવીની પૂરા માનવમાપની આ પ્રતિમા અહીં ઘડાઈ રહી હતી એવી વસ્તુપાલને ખબર નહોતી. અગાઉથી ત્યાં જમા થયેલા જાત્રાળુઓ તલપાપડ થઈ રહ્યા હતા. બાની પ્રતિમા દેખીને મંત્રી વસ્તુપાલ કોઈ અનહદ હર્ષાવેશમાં આવી જશે, શોભનદેવ શિલ્પી પર બક્ષિસોના મેહુલા વરસાવશે, કે શું કરશે? મંત્રીના મન પરની અસર નિહાળવા સહુની આતુરતા આંગળાં પર ઊભી થઈ ગઈ. 'વિધવા રત્નકુક્ષી' વિશે સકલ ગુર્જર દેશમાં વિસ્તરેલી ભૂતકાળની રહસ્ય-કથાને યાત્રાળુઓ આ પ્રતિમાનાં અંગેઅંગ ઉપર, મુખમુદ્રાની કરુણતાભીની પ્રસન્નતા પર, આંખોની ગગન-શી સઘન ગંભીરતા પર ઉકેલી રહ્યા હતા. પ્રતિમાને જોઈ જોઈને બધાં યુવાન શોભનદેવને ન્યાળતા હતા.

પહેલાં તો કેટલીક વાર સુધી વસ્તુપાલ માતાની મૂર્તિ તરફ એકમીટે જોઈ રહ્યા. એના માથાના લાંબા કેશ અને એની રાજપૂત મરોડની દાઢીમૂછના બાલ પ્રફુલ્લતાની પવનલહરે ફરર ફરર થઈ રહ્યા. એની પહોળી છાતી વધુ ઘેરાવો પાથરી રહી. એની નજર બાની પ્રતિમાના પગથી માથા સુધી ચડતી હતી ને પાછી મસ્તકથી પગ સુધી ઊતરતી હતી. એનું ગર્વિષ્ઠ મોં શોભનદેવ સામે મરકતું હતું. હમણાં જાણે એ શિલ્પીના ખભા થાબડવા લાગશે.

સંઘપતિનાં નેત્રો પર પોપચાંના પડદા સર્યા, 'બા'ની રોમાંચક જીવનકથા જાણે કે કોઈ રંગભૂમિના તખતા પર ખેલાવા લાગી.

માલાસણ ગામની એક આલેશાન હવેલીમાં આજથી પાંસઠ વર્ષ પર 'બા' ભરજોબનમાં બેઠી હતી. એનું નામ 'કુંઅરી' હતું. એની આસપાસ ઠાઠમાઠ ને વૈભવની છોળો હતી. એ પાણી માગે ત્યાં દૂધ હાજર થતાં. એનો દેહ હીરામોતીએ ભાંગી પડતો પરંતુ એના કાંડા ઉપર ફક્ત બે જ શણગાર નહોતા: બે કંકણો.