પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
244
ગુજરાતનો જય
 


કંકણવિહોણી બા કુંઅરીને વસ્તુપાલે શાસ્ત્રો ભણતી ને સ્તવનો ગાતી કલ્પી: દેરે જતી ને દેવોને પૂજતી કલ્પી; પોષધશાળાએ જતી ને પોસહ-પડિકમણાં કરતી કલ્પી. રખે એને રંડાપાનું ભાન થઈ આવે એ વિચારે પિતા આભુશેઠે માલાસણ ગામમાં સતત નોતરેલાં ટોળાબંધ સાધુ-સાધ્વીઓને ઘી અને પકવાનો વહોરાવતી સાધુઘેલડી વિધવા કલ્પી; વિધવા 'કુંઅરી'ને આવતા ભવની સ્વર્ગીય ગતિ પીરસતા સૂરિઓ કલ્પ્યા.

બાને તે વખતે કેવું લાગતું હશે ! બાના હૈયામાં અજ્ઞાનની કેવી શાંતિ હશે !

પછી એક દિવસ બા કુંઅરીના એવા સૂતેલા યૌવનમાં એક સળવળાટ થતો કલ્પ્યોઃ બાના હૈયા પર એક પડછાયો પડતો કહ્યો. એ પડછાયો એક માનવીનો હતોઃ એ માનવી એક યુવાન હતો. દીનદરિદ્ર, પાટણનો પોરવાડ આસરાજ હતો. પિતાની કલ્પના કરવા માટે એણે પોતાની ને તેજપાલની દેહકાંતિ અને મુખમુદ્રા ધ્યાનમાં લીધાં. પિતા કેવો સુંદર હશે ! બાની યૌવનભરી આંખોમાં એણે કેવું સ્વપ્ન ભર્યું હશે !

ભણેલી ગણેલી અને ધર્મધ્યાનમાં મળેલી બાએ જેના પર પહેલી મીટ માંડી હશે તે યુવાન શું ઉચ્છૃંખલ હશે? નહીં નહીં, એ તો હતો સાત પેઢીની સંસ્કારિતાનો વારસદાર; પૂર્વજોની છલકતી લક્ષ્મીને દૈવયોગે હારી બેઠેલો, છતાં રૂપે અને સંસ્કારે તો એ જ પૂર્વજોનાં લોહીનો લાડકવાયો પિતા આસરાજ: પાટણમાં વસવાની શરમને કારણે માલાસણમાં આવી વસ્યો હશે ત્યારે શું એને ખબર હશે કે આંહીં એક પ્રેમકથા રચાવાની છે?

પછી વસ્તુપાલની કલ્પના એક પોષધશાળામાં ભમવા લાગી. એક જૈન મુનિના વ્યાખ્યાનનાં વેણ ગુંજ્યાં. વ્યાખ્યાન ઝીલતી સભાને એક ખૂણે યુવાન બા કુંઅરીને બેઠેલ કલ્પી. બીજે છેડે યુવાન પિતા આસરાજને કલ્પ્યોઃ હીરામોતી અને તેમનાં આભરણે મઢેલું એક શરીર ને પૂરાં વસ્ત્રો પણ જેને ઢાંકવા નહોતાં તેવું એક બીજું ચીંથરેહાલ શરીર. એક વૈધવ્ય ઢાંક્યું રૂપ બીજું ગરીબીએ ને સામાજિક તિરસ્કાર પાટણમાંથી ગામડામાં ધકેલેલું રૂપ.

બેઉ રૂપને, બેઉ શરીરોને છેક જ સામસામી ને વિરોધી દુનિયામાંથી ખેંચી લઈને એક સર્વત્યાગી સાધુએ ભેળાં કર્યાં ! કેવી એ રંગભૂમિ ! કેવું નાટક ! કેવી રહસ્યકથા ! ઇતિહાસમાં અજોડ અને કલ્પનાને અદીઠ !

સાધુએ વૈરાગ્ય અને સંયમનો બોધ દેતે દેતે 'બા'ની જે બે હથેળીઓ અને પગતળિયા પર મીટ માંડી હશે, તે કેવાં સુંદર હશે !

પોતે જેને કદી મળ્યો નહોતો ને પોતે જેનો કોઈ સગો કે સાગવી નહોતો,