પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પોતાની બા
245
 

જેના પ્રેમ કે શૃંગારનો પોતે સ્વામી નહોતો, એક કરતાં એક પણ વાતે હકદાર કે દાવાદાર નહોતો, તેવી એક યુવતીની રેખાઓ ઉકેલનાર સાધુને ઠપકો દેવા ગયેલો પિતા યુવાનીમાં કેવો હશે ! કંગાલ ચીંથરેહાલ છતાં કેવો સંસ્કારી હશે !

ને પછી આ વિધવા ફરી પરણીને માનવરત્નો પ્રસવશે એવું ભાવિ ભાખનાર સાધુજી પાસે પોતાનો ગુપ્ત પ્રેમ પ્રકટ કરનાર પિતાનું યૌવન કેવું મધુર હશે !

પછી એ યુવતીના જ ઘરના રબારી સાથે ભાઈબંધી બાંધીને એની જ સાંઢ્ય ઉપર મધરાતે ઘસઘસાટ ઊંઘતી કુંઅરને ઉઠાવી લઈ દક્ષિણના છેક સોપારા ગામે જે પિતા નાસી ગયો, તે કેવો રણબંકો અને પ્રેમમુગ્ધ હશે !

એ રાત કેવી રૂપાળી ને આસમાની હશે !

સાંઢ્યના માફા પર પણ ભરનીંદર ખેંચતી 'બા' કેટલી નિર્દોષ હશે ! જાગીને પોતાની સ્થિતિ જોતાં એક જ પલમાં પોતાનાં વસ્ત્ર નીચેથી કટાર ખેંચી રબારી પર ધસતી એ નિર્જન અરણ્ય-રાત્રિની અપહરેલી 'કુંઅર' શું તું જ હતી, બા !

એ જ વખતે તને ખોળામાં લઈ બેઠેલા યુવાનનો પ્રેમટૌકો સાંભળતાં જ તારી કટાર ભોંઠી પડી હતી, ખરુંને, બા ! પિયરસુખને પિતૃપ્રેમને, માતૃવાત્સલ્યને, વિધવા તરીકેની કીર્તિને અને શાસ્ત્રજ્ઞાનની ખ્યાતિને, લક્ષ્મીને, આબરૂને, કુલીનતાને, સર્વસ્વને ઓળઘોળ કરવાની આ હિંમત તારા પાપભીરુ હૃદયમાં જગાડનાર શું હતું, હેં બા? મારા પિતાનું શૌર્ય અને સાહસ? મારા પિતાનું ચીંથરેવીટ્યું સૌંદર્ય ? તારી સાથે સમસ્ત સંસારના આક્રમણનો સામનો કરવાની એ રાત્રિના વીરની અબોલ તૈયારી?

તે પછી તો તું ગામગામનાં પાણી પીતી પિતા સાથે ભટકી. તેં પિતાની ગરીબીને જ વહાલી ગણી. પિતાના પ્રેમશૌર્યની વેલડી બનીને તેં એના આપ્યા ચાર બેટા ને સાત પુત્રીઓ સંસારને સમર્પ્યા. પિતાના મૃત્યુ પાછળની કંગાલિયતને ખોળે પણ તેં અમને અગિયારેને ઉછેરી, મોટાં કરી, છેક પાટણ મોકલીને ભણાવ્યાંગણાવ્યાં, અને તને તો એ સાધુએ ભાખેલ ભાવિ સાચું પડતું જોવાનું પણ ન જડ્યું, બા ! તારા પેટના તો આવા ને તેવા પ્રતાપી પાકશે તેવું ભાખી ગયેલી વિદ્યા પ્રત્યે તું હસતી તો નહીં ચાલી ગઈ હો, બા? તું જો અત્યારે હોત તો તને કાંઈક તો પ્રતીતિ થાત હો, કે તારું સમર્પણ છેક નિરર્થક નથી ગયું.

વસ્તુપાલનાં સ્થિર થયેલાં નેત્રોમાં સજળતા તરવરી ઊઠી. શરૂમાં તો એક અશ્રુબિંદુ દેખાયું. પછી દેહ સહેજ કંપાયમાન બન્યો. એક ડૂસકું આવ્યું. પછી ડળક ડળક આંસુ સમેત ડૂસકાં પર ડૂસકાં ચાલુ થયાં, ને પછી એનો યોદ્ધા-કંઠ બદલી ગયો. કવિ-કંઠની વીણા વાગી, ને એણે રુદનભર્યા ને અનરાધાર આંસુભર્યા ગાલને